મોરબીના કોરોના લેબ બનાવો, સિવિલમાં વધુ સુવિધા ઉભી કરો : ચેમ્બર ઓફ કોમર્સની કલેકટરને રજુઆત

20 લાખ કરોડના પેકેજનો લાભ કેમ લેવો તેની વેપારીઓને કોઇ જાણ નથી, માટે તેની માહિતી જાહેર કરવામાં આવે તેવી પણ માંગ

મોરબી : મોરબીમાં કોરોનાના વધી રહેલા કેસો તથા સમગ્ર જીલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાય રહેલ છે. આથી આવા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મોરબીમાં કોરોનાની લેબોરેટરી અને સંલગ્ન હોસ્પિટલ તાત્કાલિક શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

મોરબી શહેર અને જિલ્લામાં બહારથી આવતા લોકો દ્વારા કોરોના સંક્રમણ ઝડપથી વધી રહેલ છે. લોકડાઉન દરમિયાન ગ્રીન ઝોનમાં રહેલા મોરબી હવે ઓરેન્જ ઝોન તરફ આગળ જય રહ્યો છે. આથી શહેર તથા જીલ્લામાંથી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સ્થાનિક કક્ષાએ કોરોના ટેસ્ટ માટે લેબોરેટરી ન હોવાથી આવા દર્દીના સૅમ્પલ રાજકોટ, જામનગર કે છેક અમદાવાદ સુધી મોકલવા પડે છે. અને રિપોર્ટ આવતા સમય લાગતો હોવાથી કોરોના ગ્રસ્ત દર્દીની સારવારમાં સમય વેડફાય જાય છે. અને સમયસર સારવાર ન મળતા દર્દીનું મરણ થાય છે.

સરકારી દવાખાનામાં અપુરતી બેડની સંખ્યાને કારણે લક્ષણો વિનાના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવાની જરૂર છે. લક્ષણો વિનાના દર્દીઓને ઈન્સ્ટિટ્યૂશનના આઇસોલેશનમાં જ રાખવા જોઈએ કારણકે લોકો ઘરે ખાસ સાવધાનીઓ રાખી શકાતી નથી. જેનાથી તેમની સ્થિતિ ગંભીર થવા ઉપરાંત સંક્રમણનું જોખમ પણ વધે છે. આથી આ તમામ બાબતોને ધ્યાને રાખતા મોરબીમાં કોરોના ટેસ્ટની લેબોરેટરી અને ખાસ સુવિધા જનક હોસ્પિટલ ઉભી કરવાની માંગ છે. આ ઉપરાંત મોરબી સીવીલમાં સોનોગ્રાફી મશીન નથી તેમજ કાયમી સીવીલ સર્જનની જગ્યા પણ ખાલી છે. તો આ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે.

વધુમાં જણાવાયું હતું કે કોરોનાના હિસાબે અર્થતંત્રમાં ગતિ લાવવા, ધંધો રોજગાર ફરીથી ચાલુ કરવા, રોજગારી વધારવા માટે અને સામાન્ય જનતાને આર્થિક રાહત મળે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે નાણાંકીય પેકેજની જાહેરાત કરેલ હતી. પરંતુ આજ સુધી એક પણ નાના વેપારી, ઉદ્યોગ કે મોટા ગૃહ ઉદ્યોગને આવી યોજનાના કેવી રીતે લાભ મળશે તે અંગેની કોઈ જ માહિતી નથી. લોકડાઉન ખુલતા બાદ ઉદ્યોગ ધંધા અને નાના વેપારી હજુ પણ કફોડી સ્થિતિમાં જ છે. તેમજ જાહેર કરેલ નાણાકીય પેકેજ ધ્વારા કઈ રીતે નાણાકીય સહાય મળશે તેની તેમની પાસે કોઈજ સચોટ માહિતી નથી અને આવી માહિતી ના અભાવે તેમની મુશ્કેલીમાં કોઈજ ઘટાડો થયો નથી. આથી સરકારે જાહેર કરેલ નાણાકીય પેકેજની વિસ્તૃત માહિતી આપવામાં આવે તેવી માંગ છે.