માળિયાના વવાણીયા ગામે જુગાર રમતા 7 ઝડપાયા

માળીયા : શ્રાવણ માસ શરૂ થઈ જતાની સાથે જ શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. આથી, શ્રાવણીયા જુગારની બદીને નાબૂદ કરવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં માળીયાના વવાણીયા ગામે વાડાની ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સોને પોલીસ ઝડપી લીધા હતા. અને સ્થળ પરથી રૂ. 85 હજારનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની માળીયા મિયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા પોલીસ સ્ટાફે આજે પેટ્રોલીગ દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે માળીયાના વવાણીયા ગામે આંગણવાડીની બાજુમાં આવેલ અશ્વિનસિંહ મેઘુભા પરમારના રહેણાંક મકાન પાસેના વાડાની ઓરડીમાં ચાલતા જુગાર પર દોરડો પાડ્યો હતો. પોલીસે આ સ્થળે જુગાર રમતા અશ્વિનસિંહ મેઘુભા પરમાર, મણિલાલ અવચરભાઈ પટેલ, કિરીટભાઈ મયુભા પરમાર, અલપેશભાઈ હરિભાઈ વસાણીયા, રમેશભાઈ લખભાઈ ખાદા, પ્રેમજીભાઈ સુંદરજીભાઈ કગથરા, જ્યૂભા જીલુભા જાડેજાની ધરપકડ કરી હતી. તેમજ, સ્થળ પરથી પોલીસે રૂ. 85 હજારનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.