કોરોના અપડેટ : વાવડી રોડની રેવા પાર્ક-1 કન્ટેન્ટમેન્ટ ઝોન, 123 લોકો હોમ ક્વોરન્ટાઇન

- text


સોમૈયા સોસાયટી, રેવા પાર્ક -1 અને 2 સોસાયટી બફર ઝોન જાહેર : મામલતદાર અને પાલિકાની ટીમ દ્વારા કન્ટમેન્ટ ઝોનના લોકોને ઘરેબેઠા આવશ્યક સુવિધા પૂરી પડવાની વ્યવસ્થા કરાઈ : આરોગ્ય તંત્ર દ્વારા રી-સર્વેની સઘન કામગીરી

મોરબી : મોરબીમાં શુક્રવારે કોરોનાની ફરી એન્ટ્રી થઈ હતી. જેમાં જે વિસ્તારમાં કોરોના પોઝીટિવ કેસ નોંધાયો હતો. તે વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી પાસેની રેવાપાર્ક -1 સોસાયટીને કન્ટમેન્ટઝોન જાહેર કરવામાં આવી છે અને 123 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ લોકોની મામલતદારની ટીમ અને પાલિકાની ટીમ દ્વારા ઘરેબેઠા આવશ્યક સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ આરોગ્ય તંત્ર દ્વારા આ વિસ્તારમાં આરોગ્યની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.

મુંબઈથી ગત તા.18 મેં ના રોજ મંજૂરી સાથે ઉષાબેન ઘનશ્યામભાઈ પરમાર ઉ.વ.60 નામના વૃદ્ધા મોરબીના વાવડી રોડ સોમૈયા સોસાયટી પાસે આવેલ રવાપાર્ક -1 સોસાયટીમાં રહેવા આવ્યા હતા. એ સાથે જ તેમને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. દરમિયાન બે દિવસ પહેલા તેમની તબિયત લથડતા તેઓ જાતે જ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં કોરોના ટેસ્ટ માટે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ગઈકાલે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. એ સાથે જ આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર, રેવન્યુ વિભાગ, પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ તમામ વિભાગો દ્વારા રેવા પાર્ક-1 માં તત્કાળ સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો. તેમજ રેવાપાર્ક -1 માં રહેતા લોકોનું આરોગ્ય તંત્ર દ્વારા સ્ક્રીનિગ કરવામાં આવ્યું હતું.

- text

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડો.ચેતન વારેવડીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ગઈકાલ બાદ આજે પણ સઘન કામગીરી કરવામાં આવી હતી અને રેવા પાર્ક-1 સોસાયટીના લોકોનો રીસર્વે હાથ ધરાયો હતો. જેમાં આરોગ્યની સઘન ચકાસણીમાં હાલ કોઈ શંકાસ્પદ જણાયું નથી. તેમ છતાં પણ સર્વે ચાલુ રાખીને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જ્યાં કોરોનાનો કેસ નોંધાયો હતો. તે રેવાપાર્ક 1 સોસાયટી આકાશદર્શન એપાર્ટમેન્ટ-એ અને બી વિંગને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને અહીં અવજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વિસ્તારમાં 37 મકાનો છે. જેમાં રહેતા 123 લોકોને હાલ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને સોમૈયા સોસાયટી આખી તેમજ રેવા પાર્ક 2-3 સોસાયટીની બે શેરીઓમાં 203 મકાનો અને 823 લોકોના આ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સ્થળે બે પીએસઆઇ સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ મામલતદાર સહિતની રેવન્યુ ટીમ અને પાલિકા ટીમ દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં જરૂરી આવશ્યક સુવિધાઓ પુરી પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આરોગ્ય તંત્રની ટીમો દરરોજ ફરજ પર હાજર રહીને આ વિસ્તારના લોકોના આરોગ્યનું ચેકઅપ કરશે. જો કોઈ શંકાસ્પદ માલુમ પડશે તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

- text