લોકડાઉન 4ના પ્રથમ દિવસે મોરબીમાં પોલીસનું સતત પેટ્રોલિંગ

- text


પરપ્રાંતીય શ્રમિકોની કારણ વગરની અવરજવર અટકાવવા પર ખાસ નજર

મોરબી : લોકડાઉન 4ના પ્રથમ દિવસે આજે સોમવારે મોરબી શહેરમાં ખાસ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને પરપ્રાંતીય શ્રમિકો માટે શરૂ કરવામાં આવેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને લઈને શ્રમિકો વતન વાપસીની પ્રક્રિયા માટે જે-તે જગ્યાએ વિના કારણે અને બિનજરૂરી રીતે ચહલપહલ ન કરે એ માટે ખાસ નજર રખાઈ રહી છે.

- text

મોરબીની તમામ સરકારી એજન્સીઓના સનિષ્ઠ પ્રયાસોથી તેમજ ઉધોગકારોના સહયોગથી અન્ય રાજ્યોના શ્રમિકોની વતન વાપસી માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કે આમ છતાં તંત્ર પૂર્ણરૂપે તકેદારી રાખી રહ્યું છે. જે સંદર્ભે આજે સોમવારે ખુલતી બજારે મહેન્દ્રનગર ચોકડી, ત્રાજપર ચાર રસ્તા, કુબેર સિનેમા પાસે, નવલખી ફાટક તેમજ એસપી કચેરી નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રીક્ષા ચાલકો તેમજ તેમાં સવાર મુસાફરોની આવાગમનની સ્થિતિ પર નજર રાખવામા આવી રહી છે. કારણ વગર બહાર નીકળતા શ્રમિકોને તેઓ જ્યાં કામ કરે છે એ ફેક્ટરી માલીકો સાથે વાત કરીને પરત તેઓના રહેઠાણ સ્થળે વળાવી દેવામાં આવી રહ્યા છે. જે શ્રમિકો વતન પરત ફરવા માંગતા હોય તેઓના માલીકોને શ્રમિકના ફોર્મ ભરવા સહિતની મદદ કરવા અનુરોધ કરાઈ રહ્યો છે. આથી વણજોઈતી ચહલપહલ ટાળી શકાય. આમ મોરબીવાસીઓને લોકડાઉન 4ના પ્રારંભે તમામ પ્રકારની સુરક્ષાની લાગણી થાય એવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે મહદઅંશે સફળ રહ્યા છે. તેમજ મોરબીના તંત્ર અને સીરામીક એસો.ના સંયુક્ત પ્રયાસોથી હાલ વધુ 21 જેટલી ટ્રેનોને મંજૂરી મળી ગઈ છે. તંત્ર દ્વારા વતન જવા માંગતા તમામ મજૂરો માટે તમામ વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપવામાં આવી છે.

- text