મોરબી જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર હજારોની સંખ્યામાં શ્રમિકો ઉમટી પડયા

- text


આરોગ્ય પ્રમાણપત્ર લેવા માટે મોટાભાગના આરોગ્ય કેન્દ્ર પર લાંબી લાઈનો લાગી : તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરાય તેવી માંગ

મોરબી : લોકડાઉનને લઈને મોરબી જિલ્લામાં ફસાયેલા રાજ્ય બહારના શ્રમિકોને સરકારી ગાઈડલાઇન્સ અનુસરીને વતન જવાની છૂટ અપાતા સ્થળાંતર કરવા માટે જરૂરી એવું આરોગ્યનું પ્રમાણપત્ર મેળવવા માટે શ્રમિકો વિવિધ આરોગ્ય કેન્દ્રો પર ઉમટી પડ્યા હતા.

લોકડાઉન થોડો સમય જ ચાલશે એવું માનીને કામના સ્થળે રોકાઈ ગયેલા પરપ્રાંતીયો ત્રીજા લોકડાઉનની જાહેરાત સાથે હવે પોતાના વતનમાં ઉચાળા ભરવા માટે કટિબદ્ધ બન્યા છે. બીજા લોકડાઉનના આખરી દિવસોમાં સરકારે પણ આવા ફસાયેલા લોકોને એમના વતન પરત ફરવાની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે. જો કે એ માટે જે-તે જગ્યાએ ફસાયેલા વિસ્તારમાં આવતા આરોગ્ય કેન્દ્રમાંથી આરોગ્ય સર્ટિફિકેટ મેળવવું જરૂરી બનાવાયું હોય વતન પરત ફરવા માંગતા શ્રમિકો આરોગ્ય કેન્દ્રો પર લાઈનો લગાવી રહ્યા છે.

યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી મોરબી જિલ્લામાં ખેતીવાડીથી લઈને તમામ ક્ષેત્રોમાં મજૂરી કરવા આવેલા શ્રમિકો લાંબા ચાલેલા લોકડાઉનને લઈને અહીં ફસાઈ ગયા હતા. જેઓ સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે અને વ્યવસ્થા મુજબ પોતાના વતન પરત ફરવા માટે મક્કમ બન્યા છે. આ માટે સ્વસ્થ આરોગ્યને પેરામીટર માનવામાં આવ્યું છે. આરોગ્ય ચકાસણી કરીને આપવામાં આવતા પ્રમાણપત્રને આધારે તેઓ વતન પરત ફરી શકે છે. મોરબી જિલ્લામાં આ માટે પીએચસી સેન્ટર ખાતેથી આરોગ્ય પ્રમાણપત્ર મેળવવા આજે વહેલી સવારે 4 વાગ્યાથી લાંબી કતારો જોવા મળી રહી છે. મોટાભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન (શહેરી) સેન્ટરોમાંથી આરોગ્યની ચકાસણી કરી આરોગ્ય પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે. લાલપર ગામના આરોગ્ય કેન્દ્રમાં પ્રમાણપત્રો કાઢી અપવા માટે ડૉ. હિરેન વાસદરિયાએ ટોકન સિસ્ટમ લાગુ કરી છે. જે અન્વયે 600 લોકોને ટોકન આપવામાં આવ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા આરોગ્ય ચકાસણી ચાલુ કરવામાં આવી છે. વતન પરત જવા માટે હવે શ્રમિકો અધીરા બન્યા હોય તેવો માહોલ દરેક આરોગ્ય કેન્દ્રો પર જોવા મળી રહ્યો છે.

- text

જ્યારે મોટાભાગના આરોગ્ય કેન્દ્ર પર હજારોની સંખ્યામાં મજૂરો ઉમટી પડતા અવ્યવસ્થા પણ સર્જાઈ છે. વહેલી સવારથી લાઈનમાં ઉભેલા મજૂરો માટે તેઓને છાંયો મળી રહે કે તેઓ માટે પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. તેથી, ઉનાળાના તાપમાં શ્રમિકો માટે લાઈનમાં ઉભા રહેવું આકરું થઇ ગયું છે. મજૂરો પરેશાન થઇ રહ્યા છે ત્યારે આ સામાન્ય મજૂરો માટે તાકીદે યોગ્ય વ્યવસ્થા કરવાની તંત્રએ યોગ્ય આયોજન કરવું અત્યંત જરૂરી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text