મોરબી : કલાકાર એસોસિએશનના હોદેદારો દ્વારા કલાકારોને રાશન કીટનું વિતરણ કરાયું

- text


મેડિકલ સારવાર માટે એકત્ર કરાયેલો ફાળો કલાકારોના લાભાર્થે ઉપયોગમાં લેવાયો

મોરબી : મોરબીમાં લોકડાઉનના કારણે ઉદ્યોગ-ધંધા બંધ થઇ જવાથી સૌથી વધુ મુશ્કેલ પરિસ્થિતિ રોજનું રળીને ગુજરાન ચલાવતા શ્રમિકોની થઇ છે. જો કે તે લોકોની સહાય કરવા માટે સમગ્ર મોરબી જિલ્લામાં ઠેર-ઠેરથી સેવાભાવી લોકો આગળ આવ્યા છે. થોડે-ઘણે અંશે આવી જ કંઈક સ્થિતિ કાર્યક્રમોમાં પ્રેષકોનું મનોરંજન કરીને કમાણી કરતા કલાકારોની થઇ છે. કારણ કે લોકડાઉનના કારણે અનેક જાહેર તથા ખાનગી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ત્યારે આ કલાકારોને કલાકાર એસોસિએશનના હોદેદારો દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

મોરબીના કલાકાર એસોસિએશનના હોદેદારો અતુલભાઈ વાઘેલા મામા, પ્રશાંતભાઈ ગજ્જર (OB ઇવેન્ટ), દિલીપભાઈ સોલંકર (વેલકમ ઓર્કેસ્ટ્રા), રમેશભાઈ ભદ્રા (અંજલિ ઓર્કેસ્ટ્રા), વિમલભાઈ દત્તાત્રેય (પ્રેમ ઓર્કેસ્ટ્રા) તથા ચેતનભાઈ દવે (સ્કાય સાઉન્ડ) દ્વારા આશરે 1 વર્ષ પહેલા કલાકારોની મેડિકલ સારવાર માટે એક કાર્યક્રમ ગોઠવીને કલાકારોની મેડિકલ સારવાર માટે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ અતુલભાઈ વાઘેલાના સૂચન મુજબ હાલમાં કોરોનાને કારણે આવી પડેલી કપરી પરિસ્થિતિમાં કલાકારોને રાશન કીટનું વિતરણ કરીને કરવામાં આવ્યો હતો. જે માટે 4-5 લોકોના પરિવારને 15 દિવસ ચાલે તેટલા ઘઉં, તેલ, ખાંડ, ખીચડી, ચોખા, ચાની ભૂક્કી, ઘી, મરચું સહિતની 12 વસ્તુઓની રાશન કીટ 15 જરૂરિયાતમંદ કલાકારોને આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે દાંડિયા-રાસના કલાકારો કે સંગીત પીરસતા એવા જરૂરિયાતમંદ કલાકરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેની આવક હાલમાં બંધ છે. આમ, કલાકાર એસોસિએશનના હોદેદારો દ્વારા મેડિકલ સારવાર માટે એકત્ર કરાયેલા ભંડોળમાંથી કલાકારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text