કોરોનાથી સાવચેતી જરૂરી, લોકોએ ભીડવાળી જગ્યા કે પ્રવાસ પર જવાનું શક્ય હોય તો ટાળવું : મોરબી જિલ્લા કલેક્ટર

- text


સિવિલ હોસ્પિટલમાં 11 બેડનો આઇસોલેશન વોર્ડ કાર્યરત, શંકાસ્પદ દર્દીઓના સંપર્કમાં આવનાર લોકો માટે પોલીટેક્નિક કોલેજમાં ક્વોરોન્ટાઇન ફેસેલિટી ઉભી કરાઈ
માસ્કના કાળા બજાર સામે કાર્યવાહીના નિર્દેશ, કચેરીઓમાં અરજદારોને જરૂર પડ્યે જ બોલાવાશે

મોરબી : હાલ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ થયું છે. સિવિલ હોસ્પિટલમાં 11 બેડનો આઇસોલેશન વોર્ડ કાર્યરત કરાવવાની સાથે શંકાસ્પદ કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલા લોકો માટે પોલીટેક્નિક કોલેજ ખાતે ક્વોરોન્ટાઇન ફેસેલિટી પણ ઉભી કરવામાં આવી છે. વધુમાં જિલ્લા કલેકટર જે.બી. પટેલે તમામ જિલ્લાવાસીઓને ભીડ વાળી જગ્યાએ તથા પ્રવાસ પર જવાનું શક્ય હોય તો ટાળવાની અપીલ પણ કરી છે.

ચીનથી ફાટી નીકળેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે. ભારતમાં પણ આ વાયરસના કારણે થયેલા મોતની સંખ્યા ચાર સુધી પહોંચી ગઈ છે. જો કે ગુજરાતમાં હજુ પણ આ વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. સરકારના આદેશથી તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર પુરજોશમાં આગમચેતીના પગલાં લઈ રહ્યું છે. ત્યારે આ અંગે વિગતો આપવા મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે પત્રકાર પરિષદ બોલાવીને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી મોરબી જિલ્લા વહીવટી તંત્રને જે એડવાઇઝરી મળી છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. દરેક સરકારી કર્મચારીઓને માસ્ક અને સેનેટાઇઝર આપવામાં આવ્યા છે.

- text

વધારે અધિકારીઓ અને કર્મચારીઓ એકત્રિત થાય તે પ્રમાણે મિટિંગો ન યોજવાની સૂચના આપવામાં આવી છે. વધુમાં જિલ્લા કલેક્ટર જે.બી.પટેલે વ્યવસ્થા સંદર્ભે કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ કાર્યરત છે. જેમાં 11 બેડની સુવિધા છે. આ ઉપરાંત પોલીટેક્નિક કોલેજ ખાતે ક્વોરોન્ટાઇન ફેસેલિટી ઉભી કરવામાં આવી છે. જો કોઈ શંકાસ્પદ દર્દી સામે આવે તો તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને અહીં રાખવામાં આવશે.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે માસ્કના કાળાબજાર સામે જિલ્લા વહીવટી તંત્ર વોચ રાખી રહ્યું છે. દુકાનોમાં ચેકીંગ કરીને કાળાબજાર કરતા લોકો સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. વધુમાં ઉમેર્યું કે જિલ્લા કલેક્ટર કચેરીના બે જ ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. આ બન્ને ગેટથી આવતા અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારોને સેનેટાઇઝેશરથી હેન્ડ વોશ કરાવીને પછી જ પ્રવેશ આપવા દેવામાં આવશે. આ સાથે શક્ય હોય ત્યાં સુધી અરજદારોને કચેરીએ બોલવાશે નહિ. પત્રવ્યવહારથી જ વહીવટી કામગીરીની જાણ કરવામાં આવશે. અંતમાં જિલ્લા કલેક્ટર જે.બી.પટેલે સૌ જિલ્લાવાસીઓને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા, સેનિટાઇઝરથી હાથ ધોવા તેમજ ભીડવાળી જગ્યાએ કે પ્રવાસમાં જવાનું ટાળવાની અપીલ કરી હતી.

- text