મોરબીના સિરામિક ઉદ્યોગકારો પણ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમા લેશે ભાગ

- text


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે આયોજિત ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં ફિલ્મી હસ્તીઓ, ક્રિકેટરો, નેતાઓ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે : મોરબીના ઉદ્યોગકારો પણ આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનશે

મોરબી : અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ફિલ્મી હસ્તીઓ, ક્રિકેટરો અને નેતાઓ સહિતના મહાનુભાવોની સાથોસાથ મોરબીના સિરામિક ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહેવાના છે. આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા માટે મોરબીના સિરામિક એસો.ને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેને માન આપીને ઘણા ઉદ્યોગકારો આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જવાના છે.

આગામી 24મી ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદનાં મોટેરામાં નવનિર્મિત વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. મોટેરા સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પને સત્કારવા માટે ખાસ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડનાં નામાંકિત કલાકારો, ક્રિકેટરો, નેતાઓ સહિતના દિગજજો ઉપસ્થિત રહેવાના છે. આ વેળાએ વેપાર- ઉદ્યોગના વિવિધ એસોસિએશનો પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

- text

આ અંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે ઇન્ડેક્સ – ડી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મોરબી સિરામિક એસોસિએશનને પણ અમદાવાદના મોટેરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. માટે મોરબી સિરામિક એસો.ના હોદેદારો સહિતના 25 જેટલા ઉદ્યોગપતિઓ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

વધૂમાં નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે અમેરિકામાં મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વિપુલ તકો રહેલી છે. આપણા હરીફ ગણાતા ચીન ઉપર અમેરિકાએ વધુ ડ્યુટી લગાવી છે. આમ મોરબીના સિરામિક માટે અમેરિકાનું માર્કેટ ઘણી તક આપનાર છે. અમેરિકા અને ભારતના સંબંધો હજુ વધુ સારા બને તો મોરબીના સિરામિક ઉદ્યોગને ઘણો ફાયદો થઈ શકે તેમ છે. માટે મોટેરા ખાતે આયોજિત કાર્યક્રમ ઘણો મહત્વનો સાબિત થશે. આ ગૌરવવંતિ ક્ષણોમાં મોરબી સિરામિક એસોસિએશન સહભાગી થવાનું છે.

- text