લજાઈ-વાંકાનેર વાયા જડેશ્વર રોડની તાત્કાલિક રીપેર કરવાની માંગ

- text


મોરબી : મોરબી જિલ્લાના લજાઈથી વાંકાનેરને જોડતા રોડની જર્જરિત હાલતને ત્વરિત સુધારવા માટે કે.ડી.બાવરવાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરી છે.

લજાઈથી વાંકાનેરને જોડતો આ રોડ વાયા જડેશ્વરથી પસાર થાય છે. જે હાલમાં ખુબ જ બિસ્માર હાલતમાં છે. આ રોડ વાંકાનેરથી જામનગર, દ્વારકા વગેરે સાથે જોડાયેલ છે. તેમજ આ રોડ ઉપર ઘણી બધી ફેક્ટરીઓ પણ આવેલી છે. અનેક લોકોની આસ્થાનું સ્થાન અને સ્વયંભુ એવું જડેશ્વર ધામ પણ આ રોડ પર જ આવેલું છે. એટલે આ રોડનો ખુબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ઘણી મોટી સંખ્યામાં લોકોની અવર જવર આ રોડ પરથી થાય છે. ત્યારે આ રોડની બદતર સ્થિતિનો હજારો લોકો શિકાર બને છે.

આ વર્ષે અતિ ભારે વરસાદના કારણે રોડ સાવ ખરાબ થઇ ગયો છે. તે માટે સરકાર દ્વારા મોટુ ફંડ પણ ફાળવવામાં આવેલ છે. તેવી જાહેરાત સ્થાનિક ન્યૂઝપેપરમાં પણ આવી ગઈ છે. આ રોડ અતિ ભારે વરસાદના કારણે ઠેર ઠેરથી તૂટી ગયો છે. તો આ માટેના ફંડનો ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે આ રોડનું રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવે તેવી માંગણી કે.ડી.બાવરવાએ કરી છે.

- text

વધુમાં તેની રજુઆતમાં કે.ડી.બાવરવાએ જણાવ્યું હતું કે આ રોડ આવર નવાર ખરાબ થાય છે, તો આ માટે સ્પેશિયલ પ્રોવિજન કરીને ખાસ ડિઝાઇન દ્વારા તેમજ સારી ગુણવતાનો રોડ બનાવવામાં આવે. આ રોડ પરથી પસાર થતાં લોકો હાલમાં ખુબજ પરેશાની ભોગવી રહ્યા છે. તો આ રોડનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. જો આવું નહિ કરવામાં આવે તો કામ ચાલુ થતાં થતાં ચોમાસુ આવી જશે અને પછી ચોમાસાના બહાના હેઠળ કામ નહીં થાય. તો લોકોની પરેશાની વધશે અને સરકારને ખર્ચ પણ વધારે થશે. તો જેમ બને તેમ જલ્દી યુધ્ધના ઘોરણે આ રોડના રિપેરિંગનું કામ ચાલુ થાય તેવી માંગણી કરી છે.

- text