મોરબીના નહેરૂ ગેઇટથી ગ્રીન ચોક વિસ્તારમાં એક પણ મહિલા શૌચાલય ન હોવાથી હાલાકી

- text


બજારમાં ખરીદી અર્થે મોટી સંખ્યામાં આવતી બહેનોને પડતી મુશ્કેલી નિવારવા સામાજિક કાર્યકરોની જિલ્લા કલેક્ટરને રજુઆત

મોરબી : મોરબીના નહેરૂ ગેઇટથી લઈને ગ્રીન ચોક સુધીના વિસ્તારમાં એક પણ મહિલા શૌચલય ન હોવાથી અહીં મોટી સંખ્યામાં ખરીદી અર્થે આવતી બહેનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે મોરબીના સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને તાકીદે શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા અને રાજુભાઇ ભંભાણીએ જિલ્લા કલેક્ટરને રજુઆતમાં જણાવ્યું છે કે નહેરૂ ગેઇટથી ગ્રીન ચોક વિસ્તારમાં શાક માર્કેટ તેમજ ઘરવખરીની બજાર આવેલી હોય અને દરરોજ મોટી સંખ્યામાં બહેનો ખરીદી અર્થે આવે છે. અમુક સમયે તો બહેનોને ખુલ્લામાં બાથરૂમ કરવાની ફરજ પડે છે. આ મામલે અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.

- text

વધુમાં જણાવ્યું હતું કે નહેરુ ગેઇટ વિસ્તારમાં રાજાશાહી વખતનું પુરૂષોનું યુરિનલ આવેલ છે. જેની નિયમિત સફાઈ થતી નથી. આ યુરિનલની 6 માસથી સફાઈ થઈ ન હોવાથી તે બિનઉપયોગી હાલતમાં છે. આ વિસ્તારમાં પુરૂષ અને મહિલા બન્ને માટે અલગ અલગ શૌચલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ અંતમાં જણાવાયું હતું.

- text