હળવદ : દારૂડિયા અને બુટલેગરોના ત્રાસથી મહિલાઓ પરેશાન

- text


હળવદ : હળવદમાં પોલીસની હપ્તાખોરીના કારણે બુટલેગરો એટલી હદે ફાટીને ધુમાડે ગયા છે કે ખુલ્લેઆમ ચાલતા દેશીદારૂના અડ્ડાઓ ધમધમે છે ત્યારે દારૂડિયા અને બુટલેગરોના ત્રાસથી મહિલાઓ એટલી હદે ત્રાસી ગઈ છે કે મહિલાઓને દેશી દારૂની બદીને દૂર કરવા રીતસર જંગે ચઢવું પડ્યું છે. મહિલાઓએ આક્રોશ સાથે બળાપો ઠાલવ્યો હતો કે પોલીસને હપ્તાખોરીનૂ દુષણનું ગ્રહણ લાગ્યું છે. તેથી, પોલીસ પોતાની ફરજ નિષ્ઠા ભૂલી ગઈ છે. જેમ બુટલેગરો પાસેથી હપ્તા મળે છે. તે રીતે અમે મહિલાઓ ફાળો ઉઘરાવીને પોલીસને આપીશું. પણ હવે પોલીસ આ દારૂની બદીને કડક હાથે ડામે તે જરૂરી છે.

- text

હળવદના ક્રિષ્ના પાર્ક સોસાયટીની સામે તો ખુલ્લેઆમ દેશીદારૂના અડ્ડાઓ ધમધમે છે. બુટલેગરો છડેચોક દારૂ વેચે છે. જેના કારણે દારૂડિયાઓની મહેફિલો જામે છે. દારૂ પીને ઘણી વખત તો આ સોસાયટીમાં દારૂડિયાઓ હંગામો મચાવે છે. જેના કારણે મહિલાઓ ઘરની બહાર પણ નીકળી શકતી નથી. રોજેરોજની દારૂડિયાની હરકતોને કારણે મહિલાઓની ધીરજ હવે ખૂટી ગઈ છે. આજે મહિલાઓએ મીડિયા સમક્ષ આવીને દારૂની બદીને દૂર કરવા જંગે ચઢી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે પોલીસ બુટલેગરો પાસે હપ્તા ઉઘરાવે છે તે રીતે તેને હપ્તા પેટે આપવા અમે ફાળો ઉઘરાવીને પોલીસને પૈસા આપવા તૈયાર છીએ બસ હવે બહુ થયું પોલીસ દારૂની બદીને કડક હાથે ડામી દે તો જ અમને શાંતિ થશે. મહિલાઓની આ વાતથી હવે પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે કે નહિ તે જોવાનું રહ્યું.

હળવદ શહેરમાં ટાઉન બીટ જમાદારે જાણે દેશી દારૂના ધંધાર્થીઓને છૂટો દોર આપી દીધો હોય તેમ છડેચોક દેશી દારૂનો વેપલો થઈ રહ્યો છે ત્યારે શહેરીજનોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ટાઉન બીટ જમાદાર હળવદમાં ચાલતા દેશી દારૂના હાટડીઓ પર હપ્તો ઉઘરાવે છે. લોકોના જણાવ્યા મુજબ હળવદ શહેરમાં જ માત્ર ૧૫ થી વધુ દેશી દારૂના અડ્ડાઓ ધમધમે છે.

- text