મોરબીનો ઝૂલતાપૂલ બંધ : પુલ ચાલુ કરવો કે નહીં તે અંગે 29મીએ મહત્વની બેઠક

- text


ઝૂલતાપૂલ બંધ થવા મામલે 29મીએ કલેકટરની નગરપાલિકા અને ઓરેવા ગ્રુપ સાથે મહત્વની મીટીંગ થશે : ઝૂલતાપૂલ અંગે યોગ્ય નિર્ણય લેવાઈ તેવી આશા

મોરબી : મોરબીનો રાજશાહી વખતનો જાજરમાન ઝૂલતાપૂલ અંતે બંધ કરી દેવાની નોબત આવી છે. ઝૂલતાપૂલનું સંચાલન સાંભળતી ખાનગી અજંતા ઓરેવા કંપનીએ આ પુલ જોખમી થતા તેના રીનોવેશન માટે તંત્ર સમક્ષ દાદ માંગી હતી. પણ તંત્રએ ઝૂલતાપૂલના રીનોવેશન માટે રસ નહિ દાખવતા અંતે અગાઉ કરેલી જાહેરાત મુજબ અજતા ઓરેવો કંપનીને જાહેર હિતની સલામતી માટે આ પુલને બંધ કરી દેવાની ફરજ પડી છે.

મોરબીના રાજવીકાળમાં મચ્છુ નદી ઉપર શહેરની વચ્ચોવચ બંધાયેલો ભવ્ય ઐતિહાસિક ઝૂલતાપૂલ માત્ર મોરબી શહેર જ નહીં બલ્કે સમગ્ર સૌરાષ્ટ્રની શાન ગણાય છે. આ ઝૂલતાપૂલને કારણે જ મોરબી સોરાષ્ટ્ના પેરિસ તરીકે ગણના થાય છે. ભારતમાં લક્ષમણ ઝુલા અને મોરબીનો આ ઝૂલતાપૂલ એમ બે જ વિશિષ્ટ પુલ છે. જેના ઉપર હરવા-ફરવાથી લોકોને ભારે રોચાંચ સાથે આનંદની અનુભૂતિ થાય છે. મોરબીનો ઐતિહાસિક ઝૂલતાપૂલ ઉપર માત્ર દેશના નહિ વિદેશના અનેક સહેલાણીઓ મુલાકાત લઈને ઝૂલતાપૂલ ઉપર હરવા-ફરવાનો અદભુત રોમાંચ માણે છે. જો કે આ પુલનું સંચાલન પહેલા મોરબી પાલિકા પાસે હતું. પણ વર્ષ 2001ના ભુકંપમાં આ ઝૂલતાપૂલ ભારે જર્જરિત થઈ ગયો હતો અને થોડા વર્ષો સુધી આ પુલ બંધ રહ્યા બાદ સરકારની દરમ્યાનગીરીથી મોરબીની જાણીતી ઓરેવા અંજતા ઘડિયાળ કંપનીએ ઉદારતા દાખવીને વર્ષ 2008માં કરોડના ખર્ચે ઝૂલતાપૂલનું રીનોવેશન કરીને ફરી ચાલુ કર્યો હતો. ત્યારે આ ઝૂલતાપૂલ ચાલુ કરવો કે નહીં તે અંગે આગામી તા.29 ના રોજ કલેકટરની પાલિકા અને ઓરેવા ગ્રુપ સાથે મહત્વની બેઠક યોજાશે. જેમાં યોગ્ય નિર્ણય લેવાઈ તેવી તંત્ર દ્વારા આશા વ્યક્ત કરાઈ છે.

- text

ઝૂલતાપૂલનું સંચાલન ઓરેવા અંજતા ઘડિયાળ કંપની જ સાંભળતી હતી. પણ છેલ્લા કેટલાક સમયથી ફરી ઝૂલતાપૂલ ઉત્તરોત્તર જર્જરિત થઈ ગયો હતો અને હમણાંથી આ પુલ એટલી હદે જોખમી બની ગયો હતો કે, તેમાં હરવું-ફરવું મોતને આમંત્રણ આપવા બરોબર હતું. તેથી, આ ખાનગી કંપનીએ કલેકટર, ચીફ ઓફિસર સાહિતનને અનેક વખત પત્ર લખીને ઝૂલતાપૂલનું રીનોવેશન કરવા જણાવ્યું હતું. પણ તંત્ર રસ દાખવતું ન હોવાથી છેલ્લે ખાનગી કંપનીએ કલેકટરને પત્ર લખી તા. 26 જાન્યુઆરી સુધી રીનોવેશન માટે તંત્ર તરફથી પ્રતિભાવ ન મળે તો આ પુલ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી.

આ અંગે આ ખાનગી કંપનીના દિપક પારેખે જણાવ્યું હતું કે તંત્રને અનેક વખત પત્ર લખવા છતાં રીનોવેશન માટે આગળ ન આવતા અંતે લોકોની સલામતીના હિતમાં અગાઉ કરેલી જાહેરાત મુજબ ઝૂલતાપૂલને તા. 27 થી બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક તંત્રની રીનોવેશન માટે ઉદાસીનતાને કારણે ઝૂલતાપૂલ બંધ થતાં સહેલાણીઓએ આઘાતનો આંચકો અનુભવ્યો છે. આ અંગે અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું હતું કે આ બાબતે તા.29ના રોજ જિલ્લા કલેકટરની નગરપાલિકા અને ઓરેવા ગ્રુપ સાથે બેઠક કરવામાં આવશે અને આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

- text