મોરબીના વૃષભનગરમાં બંધ મકાનમાંથી ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

- text


બી ડિવિઝન પોલીસે ચોરી થયેલ રૂ.88 હજારના મુદ્દામાલમાંથી રૂ. 25,600ની રિકવરી કરી : અન્ય એક શખ્સનું પણ નામ ખુલ્યું

મોરબી : તાજેતરમાં મોરબીના વૃષભનગર સ્થિત એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડ રકમ સહિત 88,400ની મતાની ચોરી કરી હતી. આ બનાવનો ભેદ ઉકેલીને પોલીસે બે શખ્સોને દબોચી લીધા છે. આ સાથે અન્ય એક શખ્સનું પણ નામ ખુલતા તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત અનુસાર મોરબીના સામાકાઠે આવેલા વૃષભનગર, ચબૂતરા પાસે રહેતા પ્રદીપભાઈ ઘનશ્યામભાઈ નિમાવત ઉં.વ.30એ બી.ડીવી.પો.મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તા. 19 ડિસેમ્બર બપોરે 03:30થી 24 ડિસેમ્બર સાંજે 07:30 દરમ્યાન બંધ રહેલા તેમના મકાનમાંથી કોઈ અજાણ્યા શખ્સોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી તિજોરીમાં રાખેલા સોનાના નાકના દાણા, કાનમાં પહેરવાની બુટ્ટી, પાટલા, વીંટી સહિતના દાગીનાઓ કિંમત રૂ. 50,400 તેમજ રૂ. 38000 રોકડા આમ કુલ મળી 88400 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી.

- text

આ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. તપાસ દરમિયાન આજે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે ત્રાજપર ચોકડી પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ રીક્ષા સાથે ચેતનભાઈ ગોરધનભાઈ ગાંગડીયા ઉ.વ.22 અને રવિભાઈ હકાભાઈ પાટડીયા ઉ.વ.20 બન્ને રહે. સુરેન્દ્રનગરવાળાને પકડી પાડ્યા હતા. આ બન્નેએ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. અને તેઓ પાસેથી ચોરી કરેલ રૂ. 25,600ના દાગીના અને રોકડ તેમજ રૂ. 50 હજારની રીક્ષા મળી કુલ રૂ. 75,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બન્નેની પ્રાથમિક પૂછપરછમાં ચોરીના ગુનામાં તેમની સવજીભાઈ જકશીભાઈ રહે. સુરેન્દ્રનગરવાળો પણ સંડોવાયેલ હોવાનું જણાવ્યું હતું. માટે પોલીસે તેને પકડી પાડવાની તજવીજ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

- text