મોરબીના નિખિલ હત્યા કેસના ચાર વર્ષ બાદ પણ ઉકેલ નહિ આવતા પિતાએ ડી.જી.પી.ને રજૂઆત કરી

- text


મોરબી : મોરબીના ચકચારી નિખીલ ધામેચા હત્યા કેસના ચાર વર્ષ બાદ પણ ઉકેલ નહિ આવતા હત્યા કાંડની તપાસમાં જે તે અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા બાબતે તટસ્થ તપાસ કરવા નિખિલના પિતાએ ડી.જી.પી.ને રજૂઆત કરી છે.

આશરે 4 વર્ષ પહેલા મોરબીના શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા પરેશભાઈ ધામેચાના 14 વર્ષીય પુત્ર ગત તા. 15 ડિસેમ્બર, 2015ના રોજ સ્કૂલેથી ગુમ થઇ જતા સ્થાનિક પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. ત્યારબાદ 18 ડિસેમ્બર, 2015ના રોજ નિખિલની ઘાતકી હત્યા કરેલ લાશ મળી હતી.

આ લેખિત રજુઆતમાં નિખિલના પિતાએ જણાવ્યું હતું કે નિખિલની હત્યાના કેસમાં તપાસ બાબતે ખુબ જ શંકાસ્પદ ભૂમિકા જે તે વખતના અધિકારીઓની રહેલ છે. આ અધિકારીઓએ ફરિયાદીને જ આરોપી બનાવવાના પ્રયાસો કરેલ હતા. તેમજ પરિવારના સભ્યોના નાર્કોટિક ટેસ્ટ કરાવવા કોર્ટ સમક્ષ તપાસનીશ અધિકારીએ માંગણી કરેલ હતી. જયારે ફરિયાદીને જે વ્યક્તિઓ સામે શંકા છે, તેઓની નાર્કોટિક ટેસ્ટ જેવી કોઈ કાર્યવાહી કરેલ નથી.

- text

તેઓએ વધુ જણાવ્યું છે કે નિખિલ નિયમિત બસ સ્ટેન્ડ પાસે આવેલ સ્વામી નારાયણ મંદિરે જતો અને સેવા-પૂજામાં મુખ્ય ભાગ લેતો હતો. આ મંદિરના સાથે સારો પરિચય અને ઉઠબેસ રહેલ હતી. જે બાબતે ફરિયાદીએ આ મંદિરના સંતો અને સુત્રધારોમાંથી કોઈપણ વ્યક્તિ નિખિલની હત્યામાં સંડોવાયેલ હોવાની શંકા પોલીસને જણાવવા છતાં કોઈપણ પ્રકારની તાપસ આગળ વધી નથી.

તદુપરાંત, નિખિલના પિતાએ ઉમેર્યું છે કે નિખિલના સ્કૂલ બેગમાંથી મળેલ કાગળોમાં આ મંદિરના લોકોના સંપર્ક નંબર પણ મળેલ હતા. જે તપાસનીશ અધિકારીઓને આપેલ હતા. તેમજ નિખિલ મંદિરનો હરિભક્ત હોય, સેવા-પૂજા-આરતીમાં ભાગ લેતો હોય ત્યારે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવતું હતું, તેવું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ લખાયેલ છે. જેના કારણે ફરિયાદીની શંકા વધુ મજબૂત બની હતી. જયારે સામા પક્ષે જેના નામો આપેલ છે, તે તથા જે તે સ્થળની યોગ્ય રીતે તપાસ થયેલ નથી. તેમજ ચાર વર્ષ થઇ ગયેલ હોવા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી અને કેસ અધ્ધરતાલ છે.

- text