ટીકર ગામમાં બ્રાહ્મણી નદીમાંથી ત્રણ હિટાચી મશીન ઝડપાયા

- text


જિલ્લા ખાણ, ખનીજના અધિકારીઓ અને હળવદ મામલતદારની ટીમ દ્વારા દરોડો પાડી કાર્યવાહી કરાઈ

હળવદ: હળવદ તાલુકાના ટીકર ગામમાં આવેલ બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરવા ઉતરેલ ત્રણ હિટાચી મશીનને ઝડપી લેવાયા છે. ઝડપાયેલા ત્રણેય હિટાચી મશીનને હાલ તંત્ર દ્વારા સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

હળવદ તાલુકાના મીયાણી, ટીકર, માનગઢ, મયુરનગર, અજીતગઢ સહિતના ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમા હિટાચી મશીન ઉતારી રેતી માફિયાઓ દ્વારા બેફામપણે બિન્દાસ રેતી ચોરીનું કારસ્તાન ચાલુ કરવામાં આવ્યું છે અને રોજની હજારો ટન રેતીનો કાળો કારોબાર ફૂલો ફાલ્યો છે. રેત માફિયાઓ પણ તંત્રની લેશમાત્ર બીક રાખ્યા વિના ૨૪ કલાક નદીમાં પાણી હોવા છતાં હિટાચી મશીન ઉતારી રેતી ચોરી કરતા હોય છે.

- text

આજે જિલ્લા ખાણ ખનીજના અધિકારીઓ અને હળવદ મામલતદારની ટીમ દ્વારા ટીકર ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. નદીમાં હિટાચી મશીનના ચીલાને જોતા તે દિશામાં તપાસ હાથ ધરતા ત્રણ હિટાચી મશીન મળી આવ્યા હતા. હાલ તંત્ર દ્વારા મળી આવેલ ત્રણેય હિટાચી મશીનને સીઝ કરી મામલતદાર વી. કે. સોલંકી તેમજ ખાણ, ખનીજના અધિકારી અંકુરભાઈ સહીતના અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ અહીંની બ્રાહ્મણ નદીમાં રેતી માફિયાઓ દ્વારા ૧૫ જેટલા હિટાચી મશીન જુદી-જુદી જગ્યા પર ઉતારી રેતી ચોરી કરી રહ્યા છે. રેત માફિયાઓના નેટવર્કને કારણે જો તંત્રના અધિકારીઓ અહીં તપાસ અર્થે આવે તો તે પહેલાં જ રેત માફિયાઓને ખબર પડી જતી હોય છે. તેથી, તેઓ હિટાચી મશીન કાઢી તેમજ વાહનોને અન્ય ખાનગી જગ્યા પર મૂકી દેવામાં આવતા હોય છે. જેથી, તંત્ર દ્વારા પણ ખાનગી માલિકીમાં રહેલા વાહનો પર કાર્યવાહી કરી શકાતી નથી

- text