દાહોદના સામુહિક હત્યાકાંડના આરોપીનો મોરબીમાં ટ્રેન હેઠળ આપઘાત

- text


મોરબી : દાહોદ જિલ્લાના સંજેલીથી પાંચ કી.મી. દૂર આવેલા તરકડા મહુડી ગામ ખાતે એક જ પરિવારના ચાર બાળકો સહિત છની ગળું કાપીને ઘાતકી હત્યા કરનાર આરોપીએ મોરબી નજીક ડેમુ ટ્રેન હેઠળ આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થયો છે.

સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે ભરતભાઇ કડકિયાભાઈ પલાસ (ઉ.વ.40), તેમની પત્ની સમીબેન, 12 વર્ષીય મોટી પુત્રી દીપિકા, 10 વર્ષીય પુત્ર હેમરાજ, 8 વર્ષીય દીપેશ અને 6 વર્ષીય રવિની ગળું કાપીને ઘાતકી હત્યા થયાનો બનાવ પ્રકાશમાં આવતા દાહોદ સહિત ગુજરાતભરમાં ચકચાર મચી ગઇ હતી. રાત્રે જમીને પરિવાર ઓસરીમાં સૂતો હતો ત્યારે હત્યારાએ ખૂબ જ નિર્દયતા પૂર્વક ચાર માસૂમ બાળકો સહિત તેના માતા-પિતાની ધારદાર હથિયારથી ગળા કાપી હત્યા કરી હતી.

- text

હત્યા બાદ આરોપી એસટી બસમાં બેસી મોરબી આવ્યો હતો. જ્યાં રફાળેશ્વર ફાટક પાસે શુક્રવારે સવારે વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન હેઠળ ઝંપલાવી તેણે આત્મહત્યા કરી લીધી હતી. તેના ખિસ્સામાંથી મળેલી એક કાપલીમાં વિક્રમ ચુનીલાલ પલાસ, રહે. તરકડા મહુડી, તા. સંજેલી, જિલ્લો દાહોદ લખેલુ મળી આવતા પોલીસે એ દિશામાં તપાસ કરતા 6 લોકોની હત્યાના બનાવમાં આ શખ્સનું કનેક્શન ખુલ્યું હતું. હત્યા સ્થળે લોહીના જામી જવા અને પોસ્ટમોર્ટમ પરથી હત્યાનો સમય અને મોરબીમાં ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરવાના સમય સાથે અંકોડા મેળવી, તેમજ મૃતકના ખિસ્સામાંથી મળેલી એસટી બસની ટિકિટના સમય સરખાવીને પોલીસ એ નિશ્ચય પર પહોંચી હતી કે મોરબીમાં આત્મહત્યા કરનાર વિક્રમે જ આ જઘન્ય હત્યાકાંડને અંજામ આપ્યો છે. સામુહિક હત્યાકાંડનું કારણ હજુ બહાર આવ્યું નથી.

- text