હળવદમાં ભારે પવન સાથે વરસાદનું આગમન: ૯૦ લોકોનું સ્થળાંતર કરાયું

- text


ભારે વરસાદની આગાહીના પગલે આરોગ્ય વિભાગ દ્વારા ૧૫ સગર્ભા મહિલાને સલામત સ્થળે ખસેડાઈ

હળવદ: હળવદ આજે ભારે પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડી ગયું હતું જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે જોકે પવન સાથે વરસાદના ઝાપટાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સાથે જ દિઘડિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા ૯૦ જેટલા મજૂરોને સ્થળાંતર કરી શક્તિ માતાજીના મંદિર ખાતે તમામને આશરો આપવામાં આવ્યો છે. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા ૧૫ સગર્ભા મહિલાને સલામત સ્થળે ખસેડાઈ છે.

મહા વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આજે જોરદાર પવન સાથે હળવદમાં વરસાદી ઝાપટું પડયું હતું જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખાસ કરીને તાલુકાના માણેકવાડા,સુંદરી ભવાની,માથક,ચુપણી,રાયધ્રા, રાતાભેર,સરંભડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હળવદ શહેર કરતાં વધુ વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે તેમજ વાવાઝોડાની અસરને પગલે તાલુકાના દીઘડિયા ગામ બ્રાહ્મણી નદી કાંઠે આવેલ વાડી વિસ્તારમાં મજુરીકામ કરતાં ૯૦ જેટલા મજૂરોને હાલ દીઘડિયા ગામ શક્તિ માતાજીના મંદિર ખાતે રાખવામાં આવ્યા છે

સુંદરી ભવાની ગામના ખેડૂત અગ્રણી ગોગજી ભાઈ પરમારએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા પડેલા વરસાદને કારણે અને આજે પડેલા વરસાદને કારણે જે થોડો ઘણો મોલ બચ્યો હતો તે પણ પૂરો થઈ ગયો છે જેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપે તે જરૂરી બન્યું છે.

બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે જિલ્લામાંથી ૧૨૦ સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવી હતી. જેમાં હળવદ તાલુકાના પી.એચ.સી અને સી.એચ.સી પર હળવદ ની ૧૫ સગર્ભા મહિલાઓને ખસેડવામા આવી હતી જેમાં ડોક્ટર વિપુલ કારોલીએ જણાવ્યું હતું કે હાલ ૯ જેટલી મહિલાઓની ડીલેવરી કરવામાં આવી છે.

- text

વધુમાં ડોક્ટર ચેતન વારેવડીયા એ જણાવ્યું હતું કે ખાસ કરીને સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો મંડરાયો હતો જે હાલમાં ‘મહા’ નામનું વાવાઝોડું નબળું પડ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે પરંતુ વરસાદ અને પવન ફુંકાવાની હવામાન વિભાગની આગાહીના પગલે જે મહિલાઓની સંભવિત 10 તારીખ સુધીની ડીલેવરીનો સમય હતો તે તમામ મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવી હતી.

- text