વાંકાનેર નજીક દુર્લભ મનાતી શાહુડીએ ગોળીની જેમ કાંટા ફેંકી યુવક પર કર્યો હુમલો

- text


ગોળીની ઝડપે શાહુડીએ શરીર પરના કાંટા યુવક પર ફેંક્યા બાદ સદનસીબે યુવકનો બચાવ

વાંકાનેર : વાંકાનેરથી રાજકોટ જતા માર્ગ પર ગઈકાલે રાત્રે દુર્લભ ગણાતા શાહુડીએ દેખા દેતા લોકોમાં કુતૂહુલ જાગ્યું છે. એટલું જ નહી પરંતુ શાહુડીએ ત્યાંથી પસાર થતા એક યુવક પર પોતાના ધારદાર કાંટા છોડી હુમલો પણ કર્યો હતો જો કે સદનસીબે યુવકને કોઈ ઇજા થઈ ન હતી.વાંકાનેરથી રાજકોટ જતા રોડ પર, જ્યાં હાલ રેલવેનું કામકાજ ચાલુ હોય બે-ત્રણ ડાયવર્ઝન મુકાયેલ છે. તે પૈકી પહેલા ડાયવર્ઝન પાસે ગઈકાલે રાત્રે શાહુડીએ દેખા દીધી હોવાનું નજરે જોનાર સાક્ષીઓએ જણાવ્યું હતું. ગઈકાલે રાત્રે 11 વાગ્યાનાં સુમારે ઉપરોક્ત માર્ગે પોતાનું એક્ટિવા મોટરસાઇકલ લઈને પસાર થતા પરવેઝભાઈ કુરેશી નામનો યુવક પોતાના મિત્ર સાથે પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન તેના એક્ટિવા સાથે 3થી 4 ફૂટ લાંબી શાહુડી અથડાઈ હતી. શાહુડીએ તરત જ પોતાના શરીર પરનાં ધારદાર કાંટા છટકાવી યુવક પર હુમલો કર્યો હતો અને પળવારમાં જ ગાયબ થઈ ગઈ હતી. શાહુડીએ યુવક પર હુમલો કર્યો ત્યારે 3થી 6 ઇંચ લંબાઈ ધરાવતા આવા કાંટા બંદૂકની ગોળીની જેમ ફેંક્યા હતા. શાહુડીના આ હુમલાથી સદનસીબે યુવકને કોઈ ઇજા થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે શાહુડી એક શાકાહારી જીવ છે પરંતુ પોતાને ભય લાગે ત્યારે પોતાના શરીર પરના ધારદાર અને 3થી 6 ઇંચની લંબાઈ ધરાવતા કાંટા બંદૂકની ગોળીની જેમ દુશ્મન પર છોડે છે.

- text