મોરબીમાં કાલે અષાઢી બીજે મચ્છુમાતાની ભવ્ય રથયાત્રા નીકળશે

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સમસ્ત ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે.આ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપીના નિદર્શન હેઠળ પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. મોરબી પંથકના સમસ્ત ભરવાડ રબારી સમાજ દ્વારા વર્ષોથી અષાઢી બીજ પર્વની મચ્છુ માતાજીના પ્રાગટય દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા મુજબ મોરબીના રબારી અને ભરવાડ સમાજ દ્વારા આ વખતે આવતીકાલે અષાઢી બીજના પવન પર્વ નિમિત્તે મચ્છુ માતાની ભવ્ય રથયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેન્દ્રપરામાં આવેલ મચ્છુ માતાની જગ્યા ખાતેથી કાલે સવારે પરંપરાગત મચ્છુ માતાની રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાઈને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ઠંડાપીણાંનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા મુખ્યમાર્ગો પર ફરીને દરબારગઢ ખાતે પહોંચીને પુર્ણાહુતી થશે જ્યાં મહાપ્રસાદ યોજાશે. રથયાત્રા પૂર્વે સલામતી માટે એસપી સહિતના પોલીસે નિધારીત રૂટનું નિરીક્ષણ કર્યું હતું.અને કાલે રથયાત્રામાં હેઠળ એસપી કારણરાજ વાઘેલાની દેખરેખ હેઠળ એક ડીવાયએસપી અને 3 પીઆઇ, 6 પીએસઆઇ, 145 કોન્સ્ટેબલ, 64 જીઆરડી, 20 મહિલા પોલીસ, 62 ટીઆરબી મળીને 300 જેટલા પોલીસ સ્ટાફનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે, અષાઢી બીજે મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અષાઢી બીજ શુકનવંતો પર્વ હોવાથી અનેકવિધ માંગલિક કાર્યોની શુભ શરૂઆત કરાશે.

- text