મોરબી જિલ્લામા વેકેશનમાં પણ બાળકોને શિક્ષણ આપતા ૨૧૯ સરકારી શિક્ષકો

- text


 

સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધો. ૨ના કુલ ૫૦૯૨ વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યશાળા : ૪ દિવસથી લઈને ૧ મહિના સુધી શૈક્ષણિક વર્ગોનું આયોજન

મોરબી : મોરબી જિલ્લામા બાળકો ભણી ગણીને પોતાની ઉત્કૃષ્ટ કારકિર્દી ઘડે તે માટે તેઓનો પાયાનું જ્ઞાન પૂરું પાડવા માટે ૨૧૯ સરકારી શિક્ષકો વેકેશનમાં પણ સમયદાન આપીને વર્ગો ચલાવી રહ્યા છે. આ વેકેશન વર્ગોનો લાભ ૫૦૯૨ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. આ વર્ગો ૪ દિવસથી લઈને ૧ મહિના સુધી ચાલવાના છે.

સરકારી શાળાઓમાં નબળા રહી ગયેલા ધો. ૨ના બાળકોનો પાયો મજબૂત કરીને તેને શિક્ષણ પૂરું પાડવા માટે સરકારે શિક્ષકોને સમયદાન આપવાની અપીલ કરી હતી. જે અપીલને પગલે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખના માર્ગદર્શન હેઠળ ૨૧૯ સરકારી શિક્ષકોએ આગળ આવીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને વેકેશનમાં પણ અભ્યાસ કરાવવાનો સરાહનીય નિર્ણય લીધો છે.

મોરબી જિલ્લામા દિન પ્રતિદિન સરકારી શાળાઓની સ્થિતિ સુધરતી જઇ રહી છે. અનેક જાગૃત ગામોએ સાથે મળીને પોતાના બાળકોને સરકારી શાળાઓમાં જ અભ્યાસ કરાવવાનો સંકલ્પ પણ લીધો છે. આમ હવે લોકો ખાનગી શાળાઓના બદલે સરકારી શાળાઓ તરફ વળી રહ્યા છે. ત્યારે સરકારી શાળાઓમાં ભણતા બાળકોને પૂરતું શિક્ષણ આપવા માટે સરકારી શિક્ષકો પણ પોતાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. તાજેતરમાં જ સરકારે ધો. ૨મા જે બાળકો નબળા છે તેઓ માટે વેકેશન દરમિયાન ખાસ શૈક્ષણિક વર્ગો ચલાવવાની પહેલ કરી છે.

- text

સરકારની આ પહેલથી મોરબી જિલ્લાના ૨૧૯ શિક્ષકોએ આગળ આવીને વેકેશનના સમયમાં પણ બાળકોને શૈક્ષણિક વર્ગો શરૂ કર્યા છે. હાલ આ શૈક્ષણિક વર્ગોમાં જિલ્લાના ૫૦૯૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જિલ્લામા આ શૈક્ષણિક વર્ગો ૪ દિવસથી લઈને ૧ મહિના સુધી ચાલવાના છે. વેકેશનમાં સમયદાન આપનારા શિક્ષકોના આંકડા તાલુકા વાઇઝ જોઈએ તો મોરબી તાલુકામાં ૭૮, ટંકારા તાલુકામાં ૩૯, માળિયા તાલુકામાં ૧૯ વાંકાનેર તાલુકામા ૩૯ અને હળવદ તાલુકામા ૪૪ મળી જિલ્લામા કુલ ૨૧૯ શિક્ષકો રજાના દિવસોમા પણ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે.  

- text