અંતે ચાઈનાથી ૧૫ કલાક બાદ ફ્લાઈટનું ટેકઓફ : મોરબીના યુવાન સહિતનાએ લીધો રાહતનો શ્વાસ

- text


 

એરલાઇન્સની ઘોર બેદરકારીથી ૧૫ કલાક મુસાફરોને પ્લેનની અંદર પુરાઈને રહેવું પડયું : પ્લેન હોંગકોંગ જવા રવાના

મોરબી : હોંગકોંગથી મુંબઇ આવવા માટે નીકળેલી એક ફ્લાઇટ અચાનક ચાઇનામાં લેન્ડિંગ કરી દેવામાં આવી હતી. જો કે ૧૫ કલાક બાદ અંતે આ ફલાઇટ ટેક ઓફ થઈ છે. જો કે એરલાઇન્સની ઘોર બેદરકારીથી મોરબીના યુવાન સહિતના ૧૩૦થી વધુ ભારતીય મુસાફરો તેમજ અન્ય મુસાફરોને ૧૫ કલાક ભેદી રીતે પ્લેનમાં પુરીને રાખવામાં આવ્યા હતા. પરંતુ અંતે પ્લેન ટેક ઓફ થઈ જતા તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ કેથેય પેસિફિક એરલાઇન્સની ફલાઇટ હોંગકોંગથી મુંબઇ આવવા માટે ટેકઓફ થઈ હતી. પરંતુ આ ફ્લાઈટનું પાયલોટ દ્વારા અચાનક જ બાઓન, શેનઝેન( ચાઈના)મા લેન્ડિંગ કરી દેવામાં આવ્યું હતું. ૧૫ કલાક સુધી પ્લેન બાઓન એરપોર્ટ ખાતે ભેદી રીતે રાખી દેવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં મોરબીમાં રહેતા અમિત ગોસ્વામી પણ મુસાફરી કરી રહ્યા છે. તેંમની સાથે અન્ય ૧૩૦ થી પણ વધુ ભારતીયો પ્લેનમાં છે.

- text

ફલાઈટનું ભેદી રીતે લેન્ડિંગ કર્યા બાદ ક્રુ મેમ્બર્સ દ્વારા કોઈ પેસેન્જરોને પ્લેનની બહાર પણ જવા દેવામાં આવ્યા ન હતા . ઉપરાંત હજુ સુધી લેન્ડિંગનું કારણ પણ જણાવવામાં આવ્યું નથી. જો કે પેસેન્જરો અને ક્રુ મેમ્બર્સ વચ્ચે લેન્ડિંગના કારણ મુદ્દે ઘર્ષણ પણ થયુ હતું. પરંતુ ક્રુ મેમ્બર્સ કોઈ કારણ જણાવી રહ્યા ન હતા. ક્રુ મેમ્બર્સ દ્વારા અડધી કલાક, એક કલાક, બે કલાક થશે તેવા ઉડાઉ જવાબ મળતા એરલાઇન્સની ઘોર લાપરવાહીથી મુસાફરો ઉકળી ઉઠ્યા હતા.

જો કે ૧૫ કલાક બાદ અંતે આ ફ્લાઈટે ટેક ઓફ કરતા તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ પ્લેન હોંગકોંગ જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૫ કલાકથી પ્લેનમા મુસાફરોને પુરી રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન એરલાઇન્સ દ્વારા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે ઓમ શાંતિ સ્કૂલ નજીક રહેતા અમિત ગોસ્વામી પણ આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે. તેઓએ ‘મોરબી અપડેટ ‘ને ફ્લાઇટે ટેક ઓફ કર્યું હોવાની જાણ કરીને જણાવ્યું હતું કે હાલ પ્લેનને હોંગકોંગ લઈ જવામાં આવી રહ્યું છે.

- text