મોરબીમાં બાળ જન્મદર ઘટી રહ્યો છે : તણાવયુક્ત લાઈફસ્ટાઈલ જવાબદાર !

- text


છેલ્લા પાંચ વર્ષના જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા લાલબત્તી સમાન

મોરબી : ભાંગી પડેલી સંયુક્ત પરિવારની ભાવના, મોટી ઉંમરે લગ્ન થવા, સ્ત્રી ભૃણ હત્યા, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વાળા ખોરાક અને એક બાળક બસ ના નવા ટ્રેન્ડને કારણે મોરબી જિલ્લામાં બાળ જન્મદર ઘટ્યો હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, એથી પણ ચોકાવનારી બાબત તો એ છે કે મોરબી જિલ્લામાં વ્યંધત્વનું પ્રમાણ વધ્યું છે જેની સીધી જ અસર બાળ જન્મદર પર પડી છે. જો કે છેલ્લા પાંચ વર્ષમાં મોરબીમાં મૃત્યુદર વધતો ઓછો રહ્યો છે અને વીતેલા વર્ષમાં મૃત્યુદર ઘટ્યો છે જે સારી બાબત છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના છેલ્લા પાંચ વર્ષના આંકડા ઘણા ચોંકાવનારા છે વર્ષ ૨૦૧૪ બાદ મોરબી જિલ્લામાં બાળ જન્મદર સતત ઘટી રહ્યો છે જેમાં પુત્ર ઘેલચ્છામાં સેક્સ રેશિયો પણ ઘટી ગયો છે એટલે કે નવા જન્મતા બાળકોમાં સ્ત્રીની તુલનાએ પુરુષનું પ્રમાણ ઊંચું છે. જિલ્લામાં વર્ષ ૨૦૧૪માં કુલ ૨૩૫૩૯ બાળકો જન્મ થયા હતા જેમાં સ્ત્રી બાળકોની સંખ્યા ૧૧૨૩૬ અને પુરુષ બાળકોની સંખ્યા ૧૨૬૩૩ હતી વર્ષ ૨૦૧૪માં સેક્સ રેશિયો ૮૮૯ હતો એટલે કે દર ૧૦૦૦ પુરષે મહિલાની સંખ્યા ૮૮૯ હતી.

બાદમાં વર્ષ ૨૦૧૫થી મોરબી જિલ્લામાં ક્રમશઃ બાળ જન્મદર ઘટી રહ્યો છે, ૨૦૧૫માં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં કુલ મળી ૨૩૫૩૯ બાળકોનો જન્મ થયો હતો જેમાં સ્ત્રી ૧૧૧૦૫ અને પુરુષ ૧૨૪૩૪ જ્યારે ૨૦૧૬ માં જન્મદર જરા વધ્યો હતો અને કુલ ૨૩૮૧૭ બાળકો જન્મ્યા હતા જેમાં સ્ત્રી ૧૧૨૮૦ અને પુરુષ ૧૨૫૩૭ હતા ૨૦૧૬ ના વર્ષમાં મોરબી જિલ્લામાં સેક્સ રેશિયો વધીને ૧૦૦૦ પુરુષોએ ૯૦૦ થયો હતો.

બાદમાં વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં જન્મદર સતત ઘટ્યો છે. વર્ષ ૨૦૧૭માં મોરબી જિલ્લામાં ૨૨૪૪૦ બાળકો જ જન્મ્યા હતા જેમાં ૧૦૬૦૪ સ્ત્રી અને ૧૧૮૩૬ પુરુષ બાળકોનો સમાવેશ થાય છે. વીતેલા વર્ષ ૨૦૧૮માં આરોગ્ય વિભાગના ઓક્ટોબર માસ સુધીના આંકડા મોરબી જિલ્લા માટે ખૂબ જ ચિંતાજનક કહી શકાય તેવા છે.

વર્ષ ૨૦૧૮માં મોરબી જિલ્લામાં ઓક્ટોબર માસ સુધીમાં ૧૯૦૪૫ બાળકો જન્મ્યા હતા જેમાં સ્ત્રી બાળકો ૯૦૭૧ અને પુરુષ બાળકોની સંખ્યા ૯૯૭૪ હતી, એકંદરે વર્ષ ૨૦૧૮ માં પુરુષની સરખામણીએ સ્ત્રી જન્મદરનું પ્રમાણ વધ્યું છે પરંતુ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સતત ઘટી રહેલ બાળ જન્મદર સમાજ વ્યવસ્થા માટે ચિંતાજનક હોવાનું બુદ્ધિજીવીઓ માની રહ્યા છે.

- text

છેલ્લા પાંચ વર્ષના મોરબી જિલ્લાના બાળ જન્મદરના આંકડા જોતા સ્ત્રીની સરખામણીએ પુરુષનું પ્રમાણ વધુ છે પરંતુ આ બધા વચ્ચે ટંકારા અને વાંકાનેર તાલુકામાં બેટી બચાવો અભિયાન સફળ રહ્યું હોય તેવા આંકડા સામે આવ્યા છે અને ૨૦૧૪થી સતત સ્ત્રી જન્મદર વધ્યો છે અને વીતેલા વર્ષમાં સેક્સ રેશિયો ૧૦૩૪ને પાર કરી ગયો હતો એટલે કે ૧૦૦૦ પુરુષોની તુલનાએ સ્ત્રીનું પ્રમાણ ૧૦૩૪ થયું હતું જે બેટી બચાવો અભિયાનની સફળતા બતાવે છે.

જ્યારે આરોગ્ય વિભાગ મોરબી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જિલ્લાના પાંચેય તાલુકાઓમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મૃત્યુનું પ્રમાણ વધતું ઓછું રહ્યું છે, તાત્કાલિક સારવાર અને લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ આવવા ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સને કારણે છેલ્લા વર્ષમાં મૃત્યુદર ઘટ્યો હોવાનું મનાઇ રહ્યું છે વર્ષ ૨૦૧૪માં જિલ્લામાં ૪૯૮૧, ૨૦૧૫માં ૫૦૨૫, ૨૦૧૬માં ૫૩૧૯, ૨૦૧૭માં ૫૫૨૮ અને ૨૦૧૮માં આ આંકડો ઘટીને ૪૬૯૬ સુધી રહ્યો છે. જો કે આશ્ચર્ય જનક રીતે મૃત્યુદરના કિસ્સામાં પુરુષોનું પ્રમાણ સ્ત્રીઓ કરતા વધુ છે અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝના કારણે અકસ્માતોના કારણે વાંકાનેર અને મોરબીમાં મૃત્યુના આંકડા અન્ય તાલુકા કરતા વધુ જોવા મળે છે.

મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં બાળ જન્મદર ઘટવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે ત્યારે શહેરના નામાંકિત તબીબ ડો જયંતિ ભાડેસીયા કહે છે કે, જન્મદર ઘટવા પાછળ ઘણા કારણો જવાબદાર છે જેમાં મુખ્યત્વે મોટી ઉંમરે લગ્ન કરવા,
વધુ બાળકો હોય તો ઉછેરમા મુશ્કેલી પડે, ખર્ચ વધે તેવી માન્યતા લગ્ન બાદ પહેલું બાળક મોડું થવા દેવું, વંધ્યત્વનું વધતું પ્રમાણ મહિલામા વધુ પડતી ચરબી અને સ્ત્રી બીજ ન ઉત્પન્ન થવા, પુરુષોમાં ઘટતા શુક્રકોષના રોગ, વધુ પડતા રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડ વાળા ખોરાક, ફાસ્ટ ફૂડ, હવા અને પાણીના પ્રદુષણ,
વધુ પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ,
વિભક્ત નાના કુટુંબો, વધુ બાળકોને પળોજણ સમજવી, ઉચ્ચ સમૃદ્ધ કુટુંબોમાં એક બાળકથી અટકી જવું, કેરીયરની વધુ ચિંતા તેથી બાળક જન્મ પાછા ઠેલવા
ગર્ભ નિરોધકોની સમજણ સહિતના કારણો મુખ્ય હોવાનું જણાવ્યું હતું.

- text