તો, ૨૯મીથી કેબલ પ્રસારણ બંધ : ટીવી ડબલા બની જશે

- text


ટ્રાઈના કાળા કાયદાના વિરોધમાં મોરબીના કેબલ ઓપરેટરોની રેલી

મોરબી : સમગ્ર દેશમાં ટ્રાઈ દ્વારા સ્થાનિક કેબલ ઓપરેટરો માટે કડક નીતિ – નિયમોની અમલવારી કરવા નક્કી કરતા આજે મોરબી જિલ્લાના કેબલ ઓપરેટરો દ્વારા રેલી યોજી ટ્રાઈના કાળા કાયદાના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને જો આ કાળો કાયદો લાગુ પાડવામાં આવશે તો ૨૯ ડિસેમ્બરથી કેબલ પ્રસારણ બંધ કરી દેવા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ટ્રાઈ દ્વારા કેબલ ઓપરેટરો માટે નવો કાયદો અમલી બનાવવા નક્કી કરતા દેશભરમાં ભારે વિરોધ વંટોળ ઉઠ્યો છે ત્યારે આજે મોરબી કેબલ એસોશિએશનના નેજા હેઠળ માળીયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકાના કેબલ ઓપરેટરોએ વિશાળ રેલી યોજી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે કેબલ ઓપરેટરોએ દહેશત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ટ્રાઈના નિયમો લાગુ થાય તો કેબલ ભાડા રૂ.૨૫૦થી વધી રૂ. ૮૦૦ કરવા પડશે જે ગ્રાહકોના હિતમાં નથી.જો આમ છતાં કાયદો અમલી બનાવશે તો મોરબી જિલ્લામાં કેબલ પ્રસારણ અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવાશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

વધુમાં મોરબી જિલ્લા કેબલ એસોશિએશનના હોદેદારોના જણાવ્યા મુજબ ટ્રાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા સ્થાનિક લોકલ કેબલ ઓપરેટરો માટે કડક નીતિ નિયમો અમલી બનાવવા તૈયારી શરૂ કરી છે અને આકરા કર બોઝ નાખવા પણ તજવીજ થતી હોય આ કાળા કાયદાથી મોરબી જિલ્લામાં ૩૦૦ થી ૪૦૦ ઓપરેટરો અને કેબલ વ્યવસાય સાથે જોડાયેલ ૧૦૦૦ લોકોને માઠી અસર થશે જેથી આ કાળો કાયદો હટાવવા માંગ કરી હતી અન્યથા ટીવી ડબલા બનાવી દેવા ચીમકી અપાતા હવે ટ્રાઈ કેબલ ઓપરેટરોની લડત સામે કેવો રૂખ અપનાવે છે તે જોવું રહ્યું.

- text

 

- text