વાંકાનેર મામલતદાર કચેરી રામભરોસે

- text


મામલતદાર લાંચ લેતા ઝડપાયા બાદ કચેરી ધણી ધોરી વગરની : પ્રજા મુશ્કેલીમાં

વાંકાનેર : ત્રણ મહિના પહેલા વાંકાનેર મામલતદાર લાંચના છટકામાં આબાદ ઝડપાઇ ગયા બાદ ત્રણ મહિનાથી કચેરી મામલતદાર વિહોણી રામભરોસે ચાલી રહી છે અને અરજદારોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર મામલતદાર અને તેના ડ્રાઈવર પર ગત તારીખ 29-9 ના રોજ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવેલ જેમાં ડ્રાઈવર ઇલિયાસ રૂપિયા ૬૦ હજારની રકમ લેતા રંગેહાથે ઝડપાઇ ગયેલ અને આ લાંચની રકમ મામલતદાર વિજયભાઈ સી. ચાવડા વતી સ્વીકારેલ હોવાનું નિવેદન આપતાં મામલતદાર ફરાર થઈ ગયા હતા અને ઘણા સમય સુધી હાજર ન થતા એસીબી દ્વારા તેમને ઝડપી લેવાયા હતા ત્યારથી મામલતદાર કચેરીમાં રેઢા પડ છે.

- text

વધુમાં વાંકાનેર મામલતદાર કચેરીમાં મામલતદાર ફરાર હોવાથી નાયબ મામલતદારને મામલતદાર નો ચાર્જ આપી હાલ કામગીરી ચાલુ રાખવામાં આવી છે પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી મામલતદારની જગ્યા ભરવામાં આવી નથી જેના લીધે અરજદારો હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે મામલતદાર હેઠળ આવતા મહત્વના કેસો જેવા કે જમીન તકરારી કેસો, મામલતદાર કોર્ટ એક્ટ હેઠળના કેસો તેમજ મામલતદારને લગત કેસોનો વધારો થઇ રહ્યો છે જેમાં ચાર્જમાં રહેલ મામલતદાર નિર્ણય નહીં કરી તારીખો આપી રહ્યા છે. આમ પ્રજાના કામો વિલંબિત થઈ રહ્યા છે જેના કારણે લોકોની પરેશાનીમાં વધારો થઈ રહ્યો છે.

બીજી તરફ ચાર્જમાં રહેલ મામલતદાર ની મૂળ જગ્યા ઇ-ધરા વિભાગની છે પરંતુ તેઓ ત્યાં પણ ધ્યાન આપી શકતા ન હોય ઇ-ધરાની કામગીરી પણ વિલંબિત થઈ રહી છે જેથી આ જગ્યા ઉપર સત્વરે મામલતદારની નિયુક્તિ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

- text