હડમતીયા ગામે પાલણપીરની જગ્‍યામાં તા.૩થી ત્રી દિવસીય પરંપરાગત મેળો

- text


ભાદરવા વદ નોમ,દશમ અને અગિયારસના ત્રિદિવસીય ધાર્મિક મેળામાં હજારોની સંખ્યામાં મેઘવાળ સમાજ ઉમટી પડશે

હડમતીયા : મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીરનો મેળો ભરાય છે. સમગ્ર ભારતમાંથી મેઘવાળ દલિત સમાજ અને વણકર જ્ઞાતિબંધુઓનો આ એકજ મેળો છે. આ મેળાને જન્મ આપનાર પુજય આપા પાલણપીરનો પોતાનો એક ઇતિહાસ છે પાલણપીર દાદાએ સીંધ પાકિસ્તાનમાં માતંગદેવ, લુણીંગદેવ, માતૈયદેવ, મામૈયદેવ એમ ૪ અવતાર ધારણ કર્યા હતા પાલણપીર તરીકે એમનો પાંચમો અવતાર છે.

એમના આગલા મામૈયદેવના અવતારમાં તેમના શિષ્ય માલા સોંદરવાને આપેલ વચન મુજબ સંવત ૯૭૦ ના ચૈત્ર માસના શુકલ પક્ષની અજવાળી ચોથને બુધવારના રોજ હડમતીયા ગામના કપુરીયા કુંડમાંથી પ્રગટ થયાનો ઈતિહાસ છે. કહેવાય છે કે એક કોઢીના કોઢ મટાડતા લોકોના દુ:ખને પાલવનાર તરીકે જણીતા થયા અને પાલણદાદા તરીકે ઓળખાવા લાગ્યા. જીવનભર મેઘવાળ સમાજમાં રહીને લોકોના રોગ દુ:ખ દુર કરીને કુલ ૨૪ લાખ વૈધની અમુલ્ય ભેટ સમાજને આપતા ગયા અને જીવનના અંત સમયે મેઘવાળ સમાજના અને અન્ય દલિત સમુદાયના ભકતજનોની અરજને માની હડમતીયા ગામે સમાઇ ગયા. ત્યારથી હડમતીયા ગામે દર વર્ષે ભાદરવા વદ નોમના રોજ સાડા ત્રણ દિવસનો મેળો ભરાય છે.

અંદાજે ૮૦૦ વર્ષ જુના પાલણપીરના આ ધાર્મિક મેળામાં મહારાષ્ટ્રના મુંબઇ, તેમજ રાજસ્થાન અને ગુજરાત ભરમાંથી મેઘવાળસમાજના લોકો આવે છે. કામધંધા માટે થઇ દુર દુર જઇ વસેલા મેઘવાળ સમાજ અને વણકર જ્ઞાતિબંધુઓને એક કરવાનો આ મેળો છે.

- text

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પ.પૂ. પાલણપીરની પૂણ્યતિથિએ મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા વદ-૯ થી ૧ર બપોર સુધી એટલે કે સાડા ત્રણ દિવસનો તા. ૩- ૧૦ – ૨૦૧૮ થી તા. ૫-૧૦-૨૦૧૮સુધી યોજાશે. ચાર મેઘવાળથી શરૂ થયેલા આ મેળામાં આજે હજારોની સંખ્યામાં મેઘવાળ સમાજ ઉમટી પડે છે. ગુજરાત, મુંબઇ, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ઘણા લોકો ર૧ દિવસના ઉપવાસ કરે છે અને ઘણા પગપાળા સંઘ લઇ ચાલીને પણ આવે છે.

સાવ જુદો અને અનોખા આ મેળામાં મોજશોખ કરવાના ફતેત કે મોટા સ્ટોલ હોતા નથી આ મેળો નહી પરંતુ એક આસ્થા ભરી યાત્રા છે.આ મેળાનો પ્રારંભ વાંકાનેરથી ૯ કિ.મી. દુર આવેલ જડેશ્વર મહાદેવના મંદિરેથી થાય છે. ગત ગંગા સફેદ કાપડનો બેડો બાંધે છે. જેની નીચે ગુરૂ હોય તે વેદ બોલે છે અને શિષ્ય હોય તે જીકારો આપે છે. મંદિરના પ્રાંગણમાં ધુપ, ધ્યાન કરી ધજા, શ્રીફળ, સાકર ચડાવી (જેને ભેટ ચડાવી એમ કહેવામાં આવે છે.) લોકો પરોડ જવા પગપાળા ચાલતા થયા છે પરોડે પહોંચી દેહ દાન કરી કાંકણ ભરી આપાની મેડીએ આવી પહોંચે છે.ત્યાં આવી રાત્રે નોમ જાગરણ કરી સવારે કંકણ ભરી ગુરૂને કપુરીયા કુંડમાં સ્નાન કરાવી શિષ્ય પણ સ્નાન કરે છે.

આ એજ કપુરીયો કુંડ છે કે જયાં પાલણપીર બાળક સ્વરૂપે પ્રગટ થયા હતાં તેથી જ તો ભકતો અહી સ્નાન કરી ધન્યતા અનુભવે છે.યાત્રા ગણીને આવતા જતી સતી ભેગા મળી બારમતિ તીરથ કરે છે, અને જયા સતીના જોડલાના કાંકણનો અનોખો મહીમા છે. સાડા ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં પાલણપીરે કરેલા ૨૪ લાખ વેદ ગુરૂના મુખેથી સાંભળવા એ એક લ્હાવો હોય છે.ત્રીજા દિવસે ગતગંગા વાજતે ગાજતે અબીલ ગુલાલ ઉડાડી સતની ચોરીએ જાય છે અને ત્યાં કાંકરાના ઘર બનાવી ગુરૂને અપર્ણ કરે છે.

પછી ગતગંગા સાંજ ઢળતા ઢળતા હડમતીયા ગામના પાદરમાં આવેલ સતના ખાંભાની પરિક્રમા કરી ગતગંગા આપાની મેડી તરફ રવાના થાય છે.શ્રી પાલણપીરના સમાધી સ્થળ આપાની મેડી તરીકે પણ ઓળખવામાં આવે છે.ચોથા દિવસે બપોર થતા જ આ મેળો પુરો થાય છે.

- text