હળવદ પંથકના ખેડૂતો નર્મદાના પાણીથી બોર રિચાર્જ કરતા હોવાનો ધડાકો

- text


માળીયાના છેવડાના વિસ્તારમાં ખેડૂતોને નર્મદાના નીર ન પહોંચતા કલેકટરને આવેદન

મોરબી : નર્મદા કેનાલ વાટે પિયત માટે પાણી મેળવતા માળીયા પંથકના ૧૨ ગામોના ખેડૂતોને સિંચાઈના પાણી ન મળતા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આગામી ૧,૨,૩ ઓક્ટોબરથી ઉપવાસ આંદોલન છેડવાની જાહેરાત કરવાની સાથે સાથે એવો પણ ધડાકો કર્યો હતો કે હળવદના ખેડૂતો કેનાલમાંથી સિંચાઈ માટે પાણી લેવાની સાથે સાથે બોર પણ રિચાર્જ કરી રહ્યા હોવાથી માળિયાના છેવાડાના વિસ્તારમાં પાણી પહોંચતા નથી.

ખેડૂત હિત રક્ષક સમિતિ માળીયા મિયાણાના નેજા હેઠળ આજે માળીયા પંથકના ૧૨ ગામના ખેડૂતોએ સિંચાઈના પાણીમાં થઈ રહેલા અન્યાય અંગે રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ચોકવનારી રજુઆત કરી જણાવ્યું હતું કે નર્મદા બ્રાન્ચ કેનાલ હેઠળ માળિયાના ખેડૂતોને કેનાલના છેલ્લા ભાગમાં સમાવવામાં આવ્યા હોવાથી પૂરતું પાણી મળતું નથી.

- text

વધુમાં ૧૩૪ કિલોમિટર લંબાઈ ધરાવતી નર્મદા બ્રાન્ચ કેનાલમાં ક્રમશઃ ખેડુતોને પાણી ઉપાડવાના વારા કાઢવાને બદલે આગળના ગામોમાં સતત પાણી ઉપાડવાની સાથે તળાવો વોકળા ભરવામાં આવી રહ્યા હોય છેવડાના વિસ્તાર માળીયામાં ખેડૂતોને પાણી મળતું નથી.

આશ્ચર્ય જનક બાબત અંગે ખેડૂતોએ વિસ્ફોટક રજુઆત કરતા જણાવ્યું હતું કે હળવદ તાલુકામાં બોરવેલ ધરાવતા રણમલપુર, ઇસનપુર, મૈંયાપુર,ધ્રાંગધ્રા, જસમતગઢ, વગેરે ગામોમાં કેનાલની બન્ને તરફ વાડી ધરાવતા ખેડૂતો દ્વારા કેનાલના તળિયે દેડકા નાખી મફતના ભાવે વીજળી મળતી હોવાથી પોતાના ખેતરથી ૧૫૦૦૦ ફૂટ જેટલા વાયર દોડાવી વધારાનું પાણી પોતાના બોરવેલ માં ઉતારી રહ્યા છે.

આ સંજોગોમાં સરકાર આવા ગુન્હેગાર ખેડૂતો વિરુદ્ધ પગલાં ભરે અને વિજતંત્ર આવા ખેડૂતો દ્વારા થતો વીજ વેડફાટ અટકાવે તેવા પગલાં ભરવા માંગણી કરી હતી.

માળીયા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આજે રેલી યોજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પોતાના તા. ૧,૨ અને ૩ ઓક્ટોબરના ઉપવાસ આંદોલન અંગે અવગત કરી રાજ્યના સિંચાઈ મંત્રી અને નર્મદા વિભાગના અધિકારીઓને પણ આવેદન મારફતે વેદના પહોંચાડી હતી.

- text