મોરબીમાં ઝેરી કેમિકલયુક્ત પ્રવાહી ભરેલું ટેન્કર મૂકીને નાશી છુટેલો ડ્રાઇવર પકડાયો

- text


ડ્રાઇવરે રંગપર ગામ નજીક આવેલા સેરવીન સીરામીક એકમમાંથી આ પ્રવાહી ભર્યું હોવાની કબૂલાત આપી

મોરબી : મોરબીના જેતપર રોડ પરથી પ્રદુષણ બોર્ડે થોડા દિવસો પૂર્વે ઝેરી કેમિકલયુક્ત પાણી ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. તે વખતે ટેન્કર રોડ પર મૂકીને નાશી છુટેલા ડ્રાઇવરને તાલુકા પોલીસે પકડી પાડ્યો છે. આ ડ્રાઇવરે સેરવીન સીરામીકમાંથી કોલગેસનો કદળો ભર્યો હોવાની કબૂલાત પણ આપી દીધી છે.

મોરબીમાં જીપીસીબીના અધિકારીઓએ તાજેતરમાં સીરામીકના કોલગેસના કદળાનો જોખમી રીતે નિકાલ કરનાર સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. જે અંતર્ગત અધિકારીઓએ જેતપર પાસેના પીપળી રોડ પર કોલગેસનો કદળો ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. આ સમયે ટેન્કરનો ડ્રાઇવર નાશી જવામાં સફળ રહ્યો હતો. બનાવ સંદર્ભે અધિકારીઓએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

- text

જેના આધારે તાલુકા પોલીસે નાશી છુટેલા ડ્રાઇવર હરિભાઈ રતાભાઈ મકવાણા ઉ.વ.૩૮ રહે. વાવડી રોડ વાળાને પકડી પાડ્યા છે. આ અંગે જીપીસીબીના અધિકારી કાપડીયાએ જણાવ્યું કે પોલીસની પૂછપરછમાં ડ્રાઇવરે જેતપર રોડ પર રંગપર ગામ નજીક આવેલા સેરવીન સીરામીકમાંથી કોલગેસનો કદળો ભર્યો હોવાની કબૂલાત આપી છે. આ અંગે પોલીસ વિધિવત જાણ કરશે બાદમાં કારખાનેદાર સામે પ્રદુષણ બોર્ડના નિયમો હેઠળ કાર્યવાહી થશે તેમ અંતમાં જણાવ્યું હતું.

- text