હળવદમાં અનાજ કૌભાંડમાં પીબીએમના બદલે આવશ્યક ધારા મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ

- text


ખુલ્લેઆમ કાળા બજારી ખુલવા છતાં પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટીંગ મુજબ પગલા ભરવાના બદલે હળવીફુલ કલમો મુજબ ગુનો નોંધાયો

હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામના સસ્તા અનાજના પરવાનેદારે ગરીબોને વેંચાણ કરવાનો ઘઉં અને ચોખાનો જથ્થો એલીગન્સ ફુડ નામની ફેકટરીમાં મોકલાવી દીધાનો ઘટસ્ફોટ એસઓજીએ કર્યા બાદ આ કૌભાંડમાં રંગેહાથ ઝડપાયેલા ફેકટરી માલિક અને સસ્તા અનાજના પરવાનેદારોને પ્રિવેન્સ ઓફ બ્લેક માર્કેટીંગ હેઠળ જેલ ભેગા કરવાના બદલે જિલ્લા કલેકટર અને જિલ્લા પુરવઠા દ્વારા આવશ્યક ચીજવસ્તુની ધારાની કલમ ૩ અને ૭ મુજબ હળવીફુલ કલમો મુજબ ગુનો નોંધવા કાર્યવાહી કરતા અનેક આશંકા જન્મી છે.

હળવદ – માળિયા હાઈવે પર આવેલ એલીગન્સ ફુડ ફેકટરીમાં એસઓજીએ બાતમીના આધારે છાપો મારતા સરકારી રાશનનો જથ્થો જેમાં ઘઉં ૧૮પ બોરી, ચોખા ૩પ બોરી મળી કુલ રૂ.૧,૬પ,૦૦૦નો મુદામાલ ચેકીંગ ટીમે ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી હતી. સરકારી રાશનનો જથ્થો ગરીબોના રસોડે સુધી પહોંચે તે પહેલા સમિતિ ધારકો અને એલીગન્સ ફુડ પ્રા.લી.ના કારખાનાના માલિકે મેળાપીપળા કરી બારોબાર વેંચી રોકડી કરી લેવાનો ખેલ એસઓજી ટીમે ઉંધો પાડી દીધો હતો.

- text

હળવદમાં સરકારી રાશનનો જથ્થો મોટા પાયે ઝડપી લેવાની ઘટનાના પગલે રાશન સમિતિ ધારકોમાં અને હળવદ પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ સાથે જ જિલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટના માર્ગદર્શન હેઠળ બે અઠવાડિયા પૂર્વે સરકારી રાશનનો જથ્થો પાડયાની ઘટના મામલે પુરવઠાના નાયબ મામલતદાર પ્રિયંકાબેન ચાવડાએ મંગળવારે હળવદ પોલીસ મથકે એલીગન્સ ફુડ ફેકટરીના સંચાલક અને કડીયાણાના રાશનની દુકાનના પરવાનેદાર ઉપેન્દ્રભાઈ ચિમનલાલ ત્રિવેદી તેમજ વિશાલ નરેન્દ્રભાઈ ત્રિવેદી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર પ્રકરણને લઈને ખળભળાટ મચી ગયો છે.

પુરવઠા અધિકારી એકશનમાં
હળવદમાં ગત તા.૭ના રોજ ગરીબોના રસોડે પહોંચાડવાનો ઘઉં અને ચોખાનો સરકારી રાશન જથ્થો આશરે કિ.રૂ.૧,૬પ,૦૦૦નો મુદામાલ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. આ ઘટનામાં કસુરવારોને છોડાશે નહીં તેમ પુરવઠાના અભય વચન બાદ આખરે ૧૪ દિવસ સુધી ફરિયાદ ન નોંધાતા અનેક ચર્ચાઓ ઉઠી હતી. પરંતુ આ બાબતે પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટનો સંપર્ક સાધતા તેમણે ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવાની સુચના આપી હતી. પરંતુ બે અઠવાડિયા સુધી ફરિયાદ ન નોંધાતા સમગ્ર પ્રકરણને દબાવી દેવાની આશંકા વ્યકત થઈ હતી. તેવા સમયે પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટ ટ્રેનીંગમાંથી પરત આવ્યા બાદ એકશન મોડમાં આવ્યા હતા અને કેમ ફરિયાદ નથી નોંધાઈ ? તે બાબતની તપાસ કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અધિકારી બારોટના કડક વલણ સામે મંગળવારે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

- text