મોરબીમાં રિક્ષામાંથી ૯.૫૬ કિલો ગાંજા સાથે બે શખ્સો પકડાયા

- text


એનડીપીએસના કેસમાં એસઓજીની ટીમને મળી સફળતા : બન્ને શખ્સો રાજકોટની મહિલા પાસેથી આ ગાંજો ખરીદતા હોવાની કબૂલાત

મોરબી : મોરબી એસઓજીની ટીમે રામચોકમાં રિક્ષામાંથી ૯. ૫૬ કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન બન્ને શખ્સો રાજકોટની એક મહિલા પાસેથી આ ગાંજાનો જથ્થો ખરીદીને તેનું વેચાણ કરતા હોવાની કબુલાત આપી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ રામચોકમાં રિક્ષામાં ૯૫૬૮ ગ્રામ ગાંજાનો જથ્થો લઈને જતા હાજી ગની ભટ્ટી અને હિતેશ પીતામ્બર મલ્હારને એસઓજીની ટીમેં પકડી પાડ્યા છે. આ બન્ને શખ્સો મોરબી જિલ્લામાં ગાંજાની ૫ થી ૧૦ ગ્રામની પડીકીઓ બનાવીને તેનું વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ સંદર્ભે મોરબી જિલ્લાના એસપી ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે મોરબી એસઓજીના પીઆઇ સલીમ સાટીના માર્ગદર્શન હેઠળ ટીમ એનડીપીએસના ગુના પર નજર રાખી રહી હતી. અંતે તેને સફળતા મળી છે. મોરબી જિલ્લામાં ગાંજાની ૫ થી ૧૦ ગ્રામની પડીકીઓ બનાવીને તેનું વેચાણ કરતા બે મિત્રોને એસઓજીએ પકડી પાડ્યા છે.

- text

વધુમાં એસપીએ જણાવ્યું કે બન્ને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓ ગાંજાનો જથ્થો રાજકોટની એક મહિલા પાસેથી ખરીદતા હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત તેઓએ આ ધંધો તાજેતરમાં જ શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે. બન્ને શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી રીક્ષા અને ગાંજાનો જથ્થો મળી કુલ રૂ. ૮૩,૭૦૦નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text