લૂંટારુ ગેંગનો એક સભ્ય પેટ્રોલ પંપનો પૂર્વ કર્મચારી નીકળ્યો , તેને જ પંપને ટાર્ગેટ બનાવવાનું સૂચવ્યું ‘તું

- text


લૂંટારું ગેંગનો મુખ્ય સૂત્રધાર અજય વડાલીયા : રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેને છરીની અણીએ લૂંટી લેવો તે ગેંગની મુખ્ય પદ્ધતિ

મોરબી : મોરબી એલસીબીએ આજે ખૂંખાર લૂંટારું ગેંગને પકડી પાડી છે. વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક રાજશક્તિ પેટ્રોલ પંપને લૂંટે તે પૂર્વે જ ગેંગના ૧૦ લૂંટારૂઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ગેંગનો એક સભ્ય આ જ પેટ્રોલ પંપનો પૂર્વ કર્મચારી હોવાથી તેને જ પેટ્રોલ પંપને ટાર્ગેટ બનાવવાનું સૂચવ્યું હોવાનું ખુલ્યું છે.

સમગ્ર બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે મોરબી એલસીબીને આજે આ લૂંટારૂ ગેંગને ઝડપી પાડવાની સફળતા મળી છે. લૂંટારું ગેંગનો મુખ્ય સૂત્રધાર અજય કેશર વડાલીયા છે. ઉપરાંત રાજશક્તિ પેટ્રોલ પંપનો ભૂતપૂર્વ કર્મચારી પ્રકાશ ઉર્ફે પકો નરશી પીપળીયા પણ આ ગેંગનો સભ્ય છે. પ્રકાશ આ પેટ્રોલપંપમાં અગાઉ કામ કરતો હોવાથી તે પંપનું કલેકશન કયા થાય અને કેટલું થાય તે અંગેની તમામ વિગતો જાણતો હતો.

રાજશક્તિ પેટ્રોલ પંપને લૂંટવાનો વિચાર સૌ પ્રથમ પ્રકાશને આવ્યો હતો. બાદમાં આ વિચાર તેને પોતાના ભાઈ મેરુ ઉર્ફે મેરો નરશી પીપળીયા સમક્ષ મુક્યો હતો. બાદમાં મેરુએ આ વાત મુસાને કરી હતી. ત્યારબાદ આ વાત મુસાએ અજય તેમજ ઇમરાનને કહી હતી. અંતે બધાની સંમતિથી આ પેટ્રોલ પંપને લૂંટવાનો પ્લાન ઘડાયો હતો.

- text

વધુમાં ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે લૂંટારું ગેંગનો મુખ્ય સૂત્રધાર અજય અને ઇમરાન જેલમાં મળ્યા હતા. ત્યારબાદ આ લૂંટારું ગેંગ બની હતી. રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેને છરીની અણીએ લૂંટી લેવાની ગેંગની મુખ્ય પદ્ધતિ હતી. આ ગેંગે અગાઉ અનેક સ્થળોએ લૂંટ માટે રેકી પણ કરી ચુકી છે. જો આ પેટ્રોલ પંપમાં તેઓ સફળતાથી લૂંટને અંજામ આપી દેત તો હવે પછી રેકી કરેલા સ્થળને ટાર્ગેટ બનાવેંત.

વધુમાં એસપી ડો. કરનરાજ વાઘેલાએ ઉમેર્યું કે લૂંટારું ગેંગનો મુખ્ય સૂત્રધાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અજયે અનેક ગંભીર ગુનાઓ આચર્યા છે. એલસીબીએ સફળતા પૂર્વક આ ગેંગને પકડી પાડી છે.

- text