મોરબીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષો વાવી ગુરુપૂજન કરાયું

- text


એન.જી.મહેતા હાઈસ્કૂલમાં ભૂતકાળ અને વર્તમાન કાળની અદભુત મિલન : સાડાત્રણ લાખના ખર્ચે શાળામાં નંદનવનના પાયા નખાયા

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ એન.જી.મહેતા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આજે ગુરુપૂર્ણિમાના અવસરે અનોખું ગુરુપૂજન કરી શાળાને ભેટ રૂપે ૪૦૦ ઔષધીય વૃક્ષો વાવી શાળાના પ્રાંગણને નંદનવન બનાવવા અભિયાન શરૂ કર્યુ હતું.

મોરબીના ભડિયાદ રોડ પર આવેલ સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન.જી.મહેતા હાઈસ્કૂલમાં અભ્યાસ કરનાર અનેક વિદ્યાર્થીઓ શાળાના ગૌરવરૂપે આજે મોભાદાર હોદાઓ પર ફરજ બજાવી રહ્યા છે ત્યારે શાળામાં વર્ષ ૧૯૯૨ થી ૧૯૯૫ ની બેચના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ તરફથી મળેલી અમૂલ્ય કેળવણીના કારણે આજે જુદા – જુદા વ્યવસાયમાં સફળ થયા હોવાથી ગુરુનું ઋણ ચૂકવવા આજે ગુરુપૂર્ણિમાના અવસરે શાળાનું પ્રાંગણ સાફ કરાવી રૂપિયા સાડાત્રણ લાખના ખર્ચે વૃક્ષારોપણ કર્યું હતું.

- text

ગુરુપૂર્ણિમાના અવસરે એન.જી. મહેતા હાઈસ્કૂલમાં ભૂતકાળ અને વર્તમાનકાળનો અદભુત સંગમ થયો હતો અને શાળામા ફરજ બજાવી ગયેલા ભૂતપૂર્વ શિક્ષકો અને વર્તમાન શિક્ષકોની વંદના કરી શાળાને નંદનવન બનવવા ૪૦૦ અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામા આવ્યુ હતું.

આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં નરેન્દ્રભાઈ અઘારા, મનીષભાઈ આદ્રોજા, ભાવેશભાઈ સરસાવડીયા, વિનોદભાઈ તોમર, પ્રવીણભાઈ બરાસરા, ધર્મેન્દ્રભાઈ ઉભડિયા સાહિતનાઓએ જણાવ્યું હતું કે ગુરુનું ઋણ ચૂકવવા આ એક સનિષ્ઠ પ્રયાસ છે અને આવનાર દિવસોમાં આજ રીતે શાળાની ખૂબ જ નામના થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ શાળાના પ્રાંગણમાં કચરાના ગંજ ખડકાયા હોવાથી અહીંથી ૩૦૦ ટન જેટલો કચરો હટાવી આ ટીમ દ્વારા શાળાને હરિયાળી બનાવવા નક્કી કરાયું હતું જે અન્વયે આજે શાળાના પૂર્વ પ્રિન્સિપાલ, શિક્ષકો અને વર્તમાન સ્ટાફગણના હસ્તે ૪૦૦ ઔષધીય વૃક્ષનું વાવેતર કરાયું હતું અને વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા આ વૃક્ષોને ઉછેરવા સંકલ્પ કરાયો હતો.

 

- text