હળવદમાં ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરતા ઉર્જામંત્રી સૌરભ પટેલ

- text


૬.૩ર લાખના ખર્ચે સબ સ્ટેશનનું નિર્માણ થશે : આગામી ૬ માસમાં કામ પૂર્ણ કરાશે
હળવદ : હળવદ – માળિયા હાઈવે પર જેટકો કંપનીના ૬૬ કે.વી. હળવદ-૩ સબ સ્ટેશનનું રાજયના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે કેબિનેટ મંત્રી દ્વારા તકતી અનાવરણવિધિ કરાઈ હતી. તેમજ ઉપસ્થિત મંચસ્થોનું પુષ્ગગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સાંદિપની શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. ભૂમિપૂજન પ્રસંગે સુરેન્દ્રનગરના સાંસદ, મોરબી કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત રાજકીય અગ્રણીઓ અને જેટકો કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હળવદ – માળિયા હાઈવે પર આવેલ સાઈન કોટન મીલ પાસે જેટકો કંપની દ્વારા ૬૬ કે.વી. હળવદ -૩ સબ સ્ટેશનનું રાજયના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લુ મુકાયું હતું. જેમાં સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપરા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, મોરબી જિલ્લા કલેકટર માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી ખટાણા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,  કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બિપીનભાઈ દવે, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, નગરપાલીકા પ્રમુખ હિનાબેન રાવલ, મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વલ્લભભાઈ પટેલ, રજનીભાઈ સંઘાણી, અજયભાઈ રાવલ, રણછોડભાઈ દલવાડી, ઘનશ્યામભાઈ ગોહિલ સહિત રાજકીય અગ્રણીઓ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ સમારોહમાં રાજયના ઉર્જામંત્રી સૌરભ પટેલએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં પર૦ સબ સ્ટેશનને મંજુરી અપાઈ છે. ઉપરાંત ખેડૂતો માટે સ્કાય યોજના અમલમાં મુકાઈ છે. જેમાં ખેડૂત જરૂરીયાત મુજબની વીજળી ઉત્પન્ન કરે તેવા પ્રયાસ હાથ ધરાયા છે. વધુમાં ઉમેર્યું હતું કે, ર૬ ટકા વીજળીનું ઉત્પાદન ખેડૂતની નજીક થાય તો સીધો લાભ મળી રહે તેમજ આ યોજના અંતર્ગત ૭૦થી વધુ ખેડૂતની એક સમિતિની રચના બાદ સીધા નાણા સમિતિના ખાતામાં જમા થશે. આ યોજનામાં ખેડૂતોને ૧ર કલાક વીજળી અપાશે જેમાં ખેડૂત ર૪ કલાકમાંથી કોઈપણ સમયે આ વીજળી વાપરી શકશે તેમ ઉર્જામંત્રીએ જણાવ્યું હતું.

૬૬ કે.વી. હળવદ-૩ સબ સ્ટેશનનું કામ માર્ચ-ર૦૧૯ સુધીમાં પૂરૂ કરવામાં આવશે તેવું જેટકોના એમ.ડી. બી.બી. ચૌહાણે જણાવ્યું હતું. આ તકે જેટકોના મુખ્ય ઈજનેર એન.પી. મહેશ્વરી, બી.એન. ત્રિવેદી, અધિક્ષક ઈજનેર સુરેન્દ્રનગર એમ.વી.સંઘવી, કાર્યપાલક ઈજનેર પી.સી.મહેતા સહિત જેટકોના કર્મચારીઓ આ સમારોહમાં હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેટકોના નાયબ ઈજનેર એ.જી.સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

- text