મોરબી : કન્યા છાત્રાલય સંકુલમાં ગટરના પાણી ઘુસી જવાની સમસ્યા : કલેક્ટરને રજૂઆત

- text


સંસ્થાના પ્રમુખની રજુઆત : વહેલી તકે ભૂગર્ભ ગટરની સફાઈ કરાવાની માંગ

મોરબી : મોરબી કન્યા છાત્રાલય રોડ પર આવેલ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળની શાળા કોલેજોમાં વરસાદ સમયે ગટરનું પાણી ઘુસી જાય છે. ગટરનું ગંદુ પાણી શાળા કોલેજમાં ઘુસી જતા હજારો વિદ્યાર્થીઓના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. ત્યારે સંસ્થાના પ્રમુખે જિલ્લા કલેકટરને રજુઆત કરી આ મુદ્દે યોગ્ય કરવાની માંગ ઉઠાવી છે.

કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હૉથીએ જિલ્લા કલેક્ટરને રજૂઆતમાં જણાવ્યું કે કન્યા છાત્રાલય રોડ પર આવેલ સંસ્થાની શાળા કોલેજમાં આશરે ૬ હજાર દીકરીઓ અભ્યાસ કરે છે. કન્યા છાત્રાલય રોડ પર આવેલ ભૂગર્ભ ગટર બંધ છે. વરસાદના સમયે આજુબાજુની સોસાયટીઓનું ગંદુ પાણી આ સંસ્થાના કેમ્પસની ગટરની કુંડીઓમાં પાછું આવે છે. જેથી સંસ્થાનું કેમ્પસ ગટરના ગંદા પાણીથી ભરાઈ જાય છે.

- text

ગયા વર્ષે પણ વરસાદમાં સંસ્થાના કેમ્પસમાં ગટરના ગંદા પાણી ભરાઈ જતા વિદ્યાર્થીનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે વખતે વિદ્યાર્થીનીઓ સાથે પાલિકા કચેરીમાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ પાલિકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આ વખતે પણ વરસાદમાં શાળા કોલેજોમાં ગટરના પાણી ઘુસી જવાની પૂરેપૂરી સંભાવના હોવાથી વિદ્યાર્થીનીઓના આરોગ્ય સામે જોખમ ઉભું થાય તે પૂર્વે ભૂગર્ભ ગટરની સફાઈ કરાવવામાં આવે તેવી માંગ છે.

સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથીએ વધુમાં જણાવ્યું કે તેમની સંસ્થાની શાળા કોલેજમાં ગટરના પાણી ભરાવાની ભયંકર સમસ્યા છે. જેના કારણે રોગ ચાળો વકરવાની ભીતિ સેવાઇ રહી છે. જો વહેલાસર તંત્ર આ મામલે કાર્યવાહી નહિ કરે તો વિદ્યાર્થીનીઓના આરોગના હિતને લઈને શાળા કોલેજ બંધ રાખવાની ફરજ પડશે.

- text