મોરબી અને માળીયાનો પ્રવાસ ખેડી લોકપ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરતા ધારાસભ્ય મેરજા

- text


ધારાસભ્યએ સ્ટડી ટુર પરથી આવીને લોકસંપર્ક કર્યો : લોકોના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચન કર્યું

મોરબી: મોરબી-માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સ્ટડી ટૂર પર થી આવતા વેંત જ મોરબી અને માળીયા પંથકનો ધનિષ્ઠ પ્રવાસ ખેડી લોકસંપર્ક કરી સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી હતી. બાદમાં આ તમામ સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ લાવવા લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપી હતી.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી તાલુકાના ગૂંગણ ગામની મુલાકાત લઈને નેશનલ હાઇવે થી ગૂંગણ સુધીના બિસ્માર રસ્તા બાબતે તેમજ ચકમપર ગામની મુલાકાત લઈને પીવાના પાણીની સમસ્યા નિવારવા બોર કરવા માટે લોકફાળા પેટે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રકમ ફાળવી હતી. કાયમી ધોરણે ઘોડાધ્રોઇ ડેમમાંથી ચકમપર માટે પાણીની પાઇપલાઇન અંગે રજુઆત કરી હતી. બાદમાં ધારાસભ્ય મેરજાએ ભીખુભાઇના સૌજન્યથી મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરી પ્રસાદ લીધો હતો.

આ ઉપરાંત માળીયા તાલુકાના ખાખરેચી ગામે આસપાસનાં ગામોની પીવાના પાણીની સમસ્યા નિવારવા વોટર વર્કસ સંપની મુલાકાત લઈ ત્રણ વર્ષથી સંપના તૂટી ગયેલા સ્લેબને બાંધવા પાણી પુરવઠા અધિકારીને તાકીદ કરી હતી. જેતપર( મચ્છુ) ગામની મુલાકાત લઇ ગામના પાદરમાં ચાલતા રસ્તાનું નિરીક્ષણ કરી ત્રુટીઓ નિવારવા તેમજ ગામના પાદરમાંથી પસાર થતા રસ્તા ઉપર ટ્રાફિક ભારણ ઓછું કરવા નવા બંધાઈ રહેલા બ્રિજથી ગામના તળાવની પાળ પાસેથી રીંગરોડ બાંધવા શક્યતાદર્શી અહેવાલ માટે માર્ગ મકાન ખાતાને જણાવ્યું હતું.

- text

મોરબીના સતવારા વિસ્તારની મશાલની વાડીમાં પીવાના પાણીની પાઈપ લાઈન બાબતે તેમજ મેઇન કેનાલ પર નાલુ બાંધવા બાબતે આગેવાનોની સ્થળ ઉપર રજૂઆતો અંગે પાણી પુરવઠા વિભાગને જણાવ્યું હતું. ઉપરાંત ધારાસભ્યએ મોરબીના રાજનગર પંચાસર રોડના કામમાં ગતિ લાવવા સ્થળ ઉપર નિરીક્ષણ કરી અડચણરૂપ વીજળીના થાંભલા હટાવવા વિજતંત્ર અને નગરપાલિકાને જણાવ્યું હતું. માળીયા ખાતેના મચ્છુ નદી ઉપરના બ્રીજ પર વાહનો ન ચલાવવા મુકાયેલા પ્રતિબંધને લીધે વિકલ્પરૂપે બાયપાસ ઉપરના માર્ગમાં જરૂરી પુરાણ કરવા માર્ગ મકાન વિભાગને તાકીદ કરી હતી.

આ સાથે ધારાસભ્યએ જનસંપર્ક કાર્યાલય ખાતે અનેક મુલાકાતીઓના પ્રશ્નો સાંભળી તેના ઉપાય માટે હૈયાધારણા આપી હતી. આ પ્રવાસમાં તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કે.ડી.પડસુંબિયા, તાલુકા પંચાયત સભ્ય હંસરાજભાઈ પાંચોટિયા, રવજીભાઈ કાલરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text