હળવદ પંથકમાં સીઝ કરેલ રેતીના જથ્થાની હરરાજીમાં આખરે ખરીદારો મળ્યાં !!

- text


મામલતદાર કચેરી ખાતે થયેલ હરરાજીમાં ધનાળા અને મયુરનગરના ૭ કોન્ટ્રાકટરોએ લગાવી બોલી :

ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ પોલીસ પ્રોટેકશન સાથે આપશે સીઝ થયેલ રેતીનો જથ્થો : સરકારને અંદાજે ૪ કરોડ રકમની થશે આવક
હળવદ પંથકના ધનાળા અને મયુરનગર ગામમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા વિવિધ સર્વે નંબરમાં મસમોટો રેતીનો જથ્થો અગાઉ સીઝ કરવામાં આવ્યો હતો જેની આજે લાંબા સમય બાદ હળવદ મામલતદાર કચેરી ખાતે ગાંધીનગર અને રાજકોટની ફલાઇંગ સ્કોડ દ્વારા જાહેર હરરાજી રાખવામાં આવી હતી.જેમાં સરકારી તિજોરીને રોયલ્ટીની ૪ કરોડ જેટલી માતબર રકમ ની આવક થશે. આ હરરાજી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે પોલીસ ટુકડી તૈનાત કરવામાં આવી હતી.

હળવદ તાલુકાના બ્રાહ્મણી નદીના પટમાંથી મોટા પાયે રેતી ચોરી કરી ખનિજ માફિયાઓ સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી તગડી રકમ કમાવા રાતો રાત રેતી ચોરી કરી રહ્યા છે ત્યારે ખાણ વિભાગ તેમજ મદદનીશ નિયામક ગાંધીનગર અને ફલાઇંગ સ્કોડ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા ગત તા.૬/૪ના રોજ હળવદ પંથકના ધનાળા ગામમાં ૩૭,૩૬૧ મે.ટન જયારે મયુરનગર ગામનાં વિવિધ સર્વે નંબરમા ૨,૭૯,૧૭૨ મે. ટન રેતીનો જથ્થો ઝડપી પાડી સીઝ કરવામાં આવતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે, ગત તા. ૬/૪ના સીઝ કરવામાં આવેલ રેતીના જથ્થાની હરરાજી તા.૨૦/૪ના રાખવામાં આવી હતી તે દરમિયાન જાહેર હરરાજીમાં માથાભારે રેત માફીયાઓને ડરથી કોઈપણ કોન્ટ્રાક્ટર કે ઇસમ દ્વારા રેતી લેવાની હિમંત નહોતી દર્શાવી અને ત્યારબાદ આ હરરાજી મોકૂફ રાખવામાં આવી હતી.

જોકે આજરોજ હળવદ મામલતદાર કચેરી ખાતે મદદનીશ નિયામક ગાંધીનગર અને રાજકોટ ફલાઇંગ સ્કોડના અધિકારીઓ દ્વારા જાહેર હરરાજી બોલાવાઈ હતી. જેમાં હળવદ પંથકના ધનાળા ગામમાં ૩૭,૩૬૧ મે.ટન સીઝ કરાયેલા રેતીના જથ્થાને લેનાર ૩ કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતાં જેમાં પ્રતિ ટન રૂ. ૧૧૫ના ભાવની ઉચ્ચતમ બોલીમાં સફળ થનાર હરસિદ્ધિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુપ્રત કરાઈ હતી જયારે મયુરનગર ગામનાં વિવિધ સર્વે નંબરમાં ૨,૭૯,૧૭૨ મે. ટન રેતીના જથ્થા માટે ઉચ્ચતમ પ્રતિ ટન રૂ. ૧૨૫ ભાવ હરરાજીમાં બોલાયા હતા જેમાં મયુરનગર માટે જે.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રેતીનો જથ્થો ખાણ ખનિજ વિભાગ દ્વારા સોંપવામાં આવ્યું હતું. આમ આ રોયલ્ટીથી સરકારની તિજોરીને માતબર ૪ કરોડ રૂપિયા ની આવક થઈ થશે.

- text

હળવદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી રેતીનો કાળો કારોબાર રાત પડે ને ધમધમતો બની જાય છે. અને આ સરકારી બાબુઓ વર્ષે માત્ર એકલ-દોકલ રેતીના જથ્થાને સીઝ કરી હરરાજી બોલાવીને સંતોષ માની લે છે. જોકે આ હરરાજી સંપન્ન થયા બાદ આગામી દિવસોમાં ખનિજ માફિયાઓ ફરી પાછા બેલગામ બની જાય તો નવાઈ નહીં.

સરકારી તિજોરીમાં અંદાજે ચાર કરોડની આવક થશે : ઈન્ચાર્જ અધિકારી

આ અંગે ખાણ ખનિજ વિભાગના ઈન્ચાર્જ અધિકારી મેહુલ દવેએ જણાવ્યું હતું કે ગત તા. ૬/૪ના વિભાગ દ્વારા હળવદ તાલુકાના ધનાળા ગામે ૩૭ હજાર ટન રેતી તેમજ મયુરનગર ગામે ૨.૭૯ લાખ મેટ્રિક ટન રેતીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.જેની આજે પ્રાંત અધિકારી હળવદ, મામલતદાર, મદદનીશ અધિકારી રાજકોટ, ભૂસ્તર શાશ્ત્રી વગેરેની ઉપસ્થિતિમાં મયુરનગર ખાતે ૧૨૫ રૂ.ટન અને ધનાળામાં ૧૧૫ રૂ. ટન રેતીની હરરાજી કરવામાં આવી હતી. આ હરરાજીથી સરકારને અંદાજેે ચાર કરોડ જેટલી માતબર રકમ રોયલ્ટી રૂપે મળશે તેમજ રેતીની ઉંચા ભાવે ખરીદી કરનાર કંપનીઓ સુરક્ષાની માંગણી કરશે તો તે આપવામાં અમે કટીબધ્ધ છીએ તેવું ઉમેર્યું હતું.

ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં હવે સિકયુરિટી ગાર્ડ પણ ઘુટણીયે

આ અંગે સિક્યુરિટી ગાર્ડએ જણાવ્યું હતું કે, મારે ફક્ત ૮ હજાર જેટલો પગાર છે અને જો હુ અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવુ તો મારે રોટલાના ફાફા પડે અને કોર્ટના ધક્કા ખાઈને મારી જીંદગી પુરી થઈ જાય જ્યારે તંત્ર દ્વારા મને કોર્ટના ધક્કા દરમિયાન કોઈપણ જાતના પગાર ધોરણ આપવામાં નહીં આવે જેથી મારે કોઈપણ જાતની ફરીયાદ નોંધાવી નથી. ગત રવિવારે રાત્રે રેતી ભરેલા ડમ્પરને સિક્યુરિટી ગાર્ડ દ્વારા રોકવાનો પ્રયાસ કરતાં અજાણ્યા ડમ્પર ચાલકે સિક્યુરિટી ગાર્ડને કચડી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ બાબતે જીલ્લા ખાણખનિજ વિભાગના એમ કે દવેએ સિક્યુરિટી ગાર્ડને અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની સુચના આપી છે. પરંતુ આજે ઘટનાના છઠ્ઠા દિવસે પણ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવતા ક્યાંક ને ક્યાક તંત્ર પણ રેતમાફિયા સામે ધુંટણીયે હોય તેવું જણાઇ આવે છે.

- text