મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ એક છત્ર નીચે આવે તો એકપોર્ટની ઊજળી તકો

ઘડિયાળ ઉદ્યોગને ટિપ્સ આપતા સિરામિક એસોસિએશનના હોદેદારો : એક્સપોર્ટ – ઈમ્પોર્ટ સેમિનારમાં મૂળ ઘડિયાળના ધંધા સાથે સંકળાયેલા હળવદના ધરાસભ્યનું સન્માન કરાયું

મોરબી : મોરબીની ઓળખ સમાં ઘડિયાળ ઉદ્યોગને ધમધમતો કરવા માટે યોજાયેલા વિશેષ સેમિનારમાં મોરબી સીરામીક એસોસિએશનના હોદેદારોએ ક્લોક એસોસિએશનના સભ્યોને મહત્વની ટિપ્સ આપી હતી જેમાં મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ એક છત્ર નીચે આવે તો એકપોર્ટની ઊજળી તકો હોવાનું જણાવી ઘડિયાળ ઉદ્યોગને દેશ-વિદેશમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં તમામ મદદની ખાતરી આપી હતી.

વિશ્વકક્ષાએ સિરામિક ઉદ્યોગની સાથે ઘડિયાળ ઉદ્યોગનું પણ સમાંતર નામ છે ત્યારે જો સરકાર ખેડૂતોની જેમ ઘડિયાળ ઉદ્યોગ માટે પણ માર્કેટિંગ યાર્ડ જેવું પ્લેટફોર્મ પૂરું પાડે તો ઘડિયાળ ઉદ્યોગનો જબરો વિકાસ થઈ શકે તેમ જોવાનો સુર ઘડિયાળ ઉદ્યોગ માટે યોજાયેલ ઈમ્પોર્ટ- એક્સપોર્ટ સેમિનારમાં ઉઠ્યો હતો.

મોરબીના ઘડિયાળ ઉદ્યોગને ગતિશીલ બનાવવા એક્સપોર્ટ- ઇમપોર્ટ અંગે ખાસ સેમિનાર યોજાયો હતો જેમાં સીરામીક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયા અને નિલેશભાઈ જેતપરિયા ખાસ હાજર રહ્યા હતા અને ઘડિયાળ ઉદ્યોગકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મહિલાઓને સૌથી વધુ રોજગારી આપતા ઘડિયાળ ઉધોગમાં હાલ મંદીનો માહોલ છે ત્યારે ઉદ્યોગને પ્રોત્સાહન અને પીઠબળ પૂરું પાડવા સરકારને પહેલ કરવાની જરૂર હોવાનો સુર પણ વ્યક્ત થયો હતો.

આ તકે સીરામીક એસોસિએશન દ્વારા તાજેતરમાં ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં અમલમાં મુકવામાં આવનાર વન ક્લસ્ટર વન બ્રાન્ડની જેમ તમામ ઘડિયાળ ઉત્પાદકો ઉત્પાદનમાં એકસૂત્રતા લાવે તો સમગ્ર દેશ જ નહીં બલ્કે વિદેશમાં પણ મોરબીના ઘડિયાળ ઉદ્યોગ માર્કેટ સર કરી શકે તેમ હોવાનું સીરામીક એસોસિએશન દ્વારા જણવાયું હતું.

આ તકે ઘડિયાળ ઉદ્યોગ સાથે જોડાયેલ હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાપરિયાનું ક્લોક એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સેમિનારમાં ક્લોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગી સહિતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.