મોરબીમાં લોકોએ અજાણ્યા શખ્સને ચોર સમજી પતાવી દીધો : ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ

- text


પીપળી રોડ ઉપર સિલ્વર પાર્કની ઘટનામાં ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

મોરબી:મોરબી ના પીપળી રોડ ઉપર સિલ્વર પાર્કમાં લોકોએ અજાણ્યા વ્યક્તિને ચોર સમજી બેફામ માર મારી મોતને ઘાટ ઉતારી દેતા આ મામલે પોલીસે સિલ્વર પાર્કમાં રહેતા ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુન્હો દાખલ કરતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સિલ્વરપાર્ક નજીક ચોરીના ઇરાદે અજાણ્યા સાત આઠ શખ્સો ઘુસ્યા હતા અને સોસાયટી વાળાઓ જાગી જતા એક શખ્સ ઝડપાઇ ગયો હતો જેને લોકોએ માર મારતા મોત થયુ હોવાની વિગતો વચ્ચે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હોવાની ઘટના તાલુકા પોલીસમાં જાહેર થઈ હતી.

દરમિયાન અજાણ્યા પુરુષનો મૃતદેહ અંગે જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને અજાણ્યા પુરુષના મૃતદેહને પી.એમ. માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો, યુવાનના શરીર પર ઈજાના નિશાન મળી હતા.

- text

પોલીસની પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિનું પડી જવાથી કે અકસ્માતે મોત થયું હોવાની દિશામાં તપાસ કરવામાં આવી હતી અને પોલીસ અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

જોકે અજાણ્યા પુરુષની મૂંઢ માર મારી હત્યા કરવામાં આવી હોવાની હકીકત બહાર આવતા પોલિસે ઝીણવટભરી તપાસ શરૂ કરતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને લોકોએ ચોર સમજી આ અજાણ્યા વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધાનું સ્પષ્ટ બન્યું હતું.

તપાસના અંતે તાલુકા પોલીસ મથકના પીએસઆઇએ ફરિયાદી બની અજાણ્યા વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવા મામલે સિલ્વર પાર્કમાં રહેતા જયેશ રમેશભાઈ રાજેડીયા,વિજય મનસુખભાઇ ભાટિયા અને ચિરાગ વસુદેવભાઈ અઘારા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ચોર સમજી મોત ને ઘાટ ઉતારી દેવાયેલ વ્યક્તિની હજુ સુધી ઓળખ મળી નથી.

- text