એકતા, સંગઠન, શિક્ષણ અને વ્યસન તિલાંજલિ પર ભાર મુકો : કનીરામદાસજી મહારાજ

- text


વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજીત જાજરમાન સમૂહલગ્નોત્સવ કિંજલ દવે સહિત ગુજરાતી ફિલ્મોનાં સુપ્રસિદ્ધ ગીતકારોનાં સુરમયી કાર્યક્રમ સાથે સંપન્ન

તને ચાર-ચાર બંગળીવાડી ગાડી લઈ દઉંનાં ગીત પર રબારી સમાજ ઝૂમી ઉઠ્યું : સાંકૃતિક, સામાજિક અને સંસ્કારી કાર્યો સાથે રબારી સમાજે સમૂહ લગ્નોત્સવનો અલગ ચીલો ચીતર્યો

મોરબી : શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયા હતા. મચ્છુનાં પ્રાંગણમાં નવલા અવસરરૂપે શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા તૃતીય સમૂહલગ્નનું આયોજન આજે શનિવાર તા. ૩ જુનનાં રોજ રામકો ફાર્મ ક્રિષ્ના ઉત્સવ મેલા ગ્રાઉન્ડ, કામઘેનું પાર્ટીપ્લોટની બાજુમાં, કંડલા હાઈવે, બાયપાસ મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. રબારી સમાજના સમૂહ લગ્નમાં ઉપસ્થિત સમસ્ત રબાળીકુળના પૂજનીય ધર્મગુરુ શ્રી નિર્મોહી પીઠાધીશ્વર અનન્ત શ્રી વિભૂષિત, શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજે રબારી સમાજને એકતા, સંગઠન, શિક્ષણ અને વ્યસન તિલાંજલિ પર ભાર મુકવા અપીલ કરી હતી.આ દિવ્ય શુભપ્રસંગે – શ્રી વડવાળા મંદિર દુધરેજ ગામ તથા પરમ આદરણીય ૧૦૮ મેઘમંડલેશ્વર શ્રી રામબાલકદાસજી – શ્રી વડવાળા મંદિર દુધઈ ગામ તેમજ પરમ આદરણીય શ્રી પૂ. બંસીદાસબાપુ – શ્રી આપાઝાલાની જગ્યા, મેસરરીયા વિશેષ ઉપસ્થિતિ નોંધાવી દીપ પ્રાગટ્ય અને આશીર્વાદના અમી છાટણા સાથે નવ દંપતિને આશીર્વાદ આપ્યા હતા. જયારે રાજ્ય સરકારના મંત્રી રોહિત પટેલ, સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્ય અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જીતુ સોમાણી, હિરેન પારેખ,જેઠાભાઇ મિયાત્રા, પ્રભુભાઈ ભૂત, બિપિન વ્યાસ, હંસરાજભાઈ ગામી, કોંગી આગેવાન લલિત કગથરા, જિલ્લા કલેક્ટર પટેલ, ડીડીઓ ખટાણા, ડે.કલેક્ટર મુછાર, ચીફ ઓફિસર સરૈયા, દેવશીભાઇ દેસાઈ, જયમલભાઈ કરોતરા સહિતના દરેક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નમાં ઉપસ્થિત સંતો મહંતો અને આગેવાનોએ પ્રસંગ અનુરૂપ પ્રવચનો કર્યા હતા.
આ જાજરમાન સમૂહલગ્નમાં આજ રોજ રાત્રે ૧૦ વાગ્યે રબારી સંસ્કૃતિ, રબારીને સંગ રસપાન કરાવતા સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સુરીલા સંગીતમય કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડો.શૈલેષ સી. રાવલ (રેડિયો, ટી.વી. ગાયક – એનાઉન્સર) દ્વારા થયું હતું. જેમાં સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ સંગીતકાર પંકજ ભટ્ટ, સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા કિંજલ દવે, સુપ્રસિદ્ધ ગૌરવ રબારી ગાયક પ્રભાબેન રબારી, ગુજરાતની કોકિલ કંઠી રશ્મીતાબેન રબારી, પ્રખ્યાત ગીતકાર મનુભાઈ રબારી અને માલધારી મોરલો તથા દાંડિયા કિંગ યુનુસ શેખ સંગ સ્ટ્રીકઓન બીટ્સ ઓરકક્સ્ટ્રા મુંબઈ સંગીતનાં તાલે રબારી સમાજનાં લોકો મનભરી ઝૂમ્યા હતા. આ તૃતીય સમૂહલગ્નનાં સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા જે જહેમત ઉઠાવવા આવી હતી એ સફળ રહી હતી. આ આયોજન અંગે અંગે રબારી સમાજના યુવા આગેવાન દેવેનભાઈ રબારી, સોહમભાઈ રબારી, હીરાભાઈ રબારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નમાં દીકરીના લગ્ન પ્રસંગે પૈસા લેવાના રિવાજને તિલાંજલિ આપવામાં આવી છે. અને આ સમૂહલગ્નમાં આ કુરિવાજથી દૂર રહે તેવા પરિવારના જ દીકરી દીકરાના લગ્ન થયા છે. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ માટે ગામે ગામ વૃક્ષરોપણનો પણ કાર્યક્રમ યોજાયો હતો. અને લગ્ન પૂર્વે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. એકંદરે આ શુભ પ્રસંગ શાંતિ અને સફળતાપૂર્વક સંપન્ન થયો છે.⁠⁠⁠⁠

 

- text