મોરબી : જલ જીવન કાર્યક્રમ હેઠળ ૮૫ લાખના કામોને વહિવટી અને તાંત્રીક મંજૂરી અપાઇ

- text


મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી : પ્રગતિ હેઠળના કામો સત્વરે પૂર્ણ કરવા તાકિદ કરાઇ

મોરબી : વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો) અંતર્ગત જલ જીવન મિશન કાર્યક્રમના અમલીકરણ માટે મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી.

આ બેઠકમાં જલ જીવન મિશન કાર્યક્રમ ની પ્રગતિ હેઠળના ૬ ગામોના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી પાણી સમિતિના દ્વારા કામો સમયસર પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત જલ જીવન કાર્યક્રમ હેઠળ અંદાજે ૩૦ લાખ રૂપિયાના કામોને વહિવટી મંજૂરી મળેલ ગામોને બહાલી આપવામાં આવી હતી. જ્યારે અંદાજે ૫૪ લાખ રૂપિયાના કામોને તાંત્રીક મંજૂરી મળેલ ગામોને વહિવટી મંજૂરી આપવાનું આ બેઠકમાં ઠરાવવામાં આવ્યું હતું.

બેઠકમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં જે ગામોની સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે તેમજ જે ગામોની સર્વેની કામગીરી પૂર્ણ થયેલ છે તેવા ગામોના સરપંચ, પંચાયતના સભ્યો, ગ્રામજનો અને પાણી સમિતિના સભ્યોને જરૂરી ૧૦ ટકા લોકફાળો પૂર્ણ કરી યોજના સત્વરે ચાલુ કરવા અંગે ગ્રામસભામાં ૧૦૦ ટકા નળ જોડાણનો ઠરાવ કરીને જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ મોરબીને જાણ કરવા અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

- text

વાસ્મોની વડી કચેરી ખાતેથી વાસ્મો અમલીકૃત ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની મંજૂરી અંગેની માર્ગદર્શીકા અને આંતરીક પેયજ યોજના અંતર્ગત નવા સોર્સ અંગેની કામગીરી અંગેના પરિપત્રોનું પાલન કરવા પણ ઠરાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાણી પુરવઠા બોર્ડ અને જી.ડબલ્યુ.આઇ.એલ.ના કાર્યપાલક ઇજનેરશ્રી પી.એ. સોલંકી, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, યુનિટ મેનેજર જે.એચ. જાડેજા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

- text