મોરબી : રફાળેશ્વર મંદિરે બમ બમ ભોલેના નાદ સાથે શિવરાત્રીનો મેળો ભરાશે

- text


સૌરાષ્ટ્રભરના લોકો ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી શિવરાત્રીનો મેળો માણશે : શિવરાત્રીની આગલા દિવસે ભજનની રાવટીઓ ધમધમશે

મોરબી : મોરબી નજીક રફાળેશ્વર ગામે આવેલ પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે પરંપરાગત શિવરાત્રીનો મેળો ભરાશે. બમ બમ ભોલેના નાદ સાથે મોરબી સહિત સૌરાષ્ટ્રભરના લોકો શિવરાત્રીના મેળામાં ઉમટી પડશે અને ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી ભગવાન ભોળાનાથના દર્શન કરીને શિવરાત્રીનો મેળો માણશે. જ્યારે શિવરાત્રીની આગલા દિવસે ભજનની રાવટીઓ ધમધમશે.

મોરબી નજીક આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરે આગામી તા. 21ના રોજ જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા મહાશિવરાત્રીના પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિવરાત્રીની આગલા દિવસે ભજનની રાવટીઓ ધમધમી ઉઠશે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને ભગવાન ભોળાનાથના મહિમાગાન કરતા પ્રાચીન ભજનો માણશે. મહાશિવરાત્રીના દિવસે મોરબી સહિત સૌરાષ્ટ્રભરના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે અને રફાળેશ્વર મંદિરે ભગવાન ભોળાના દર્શન કરીને ભાંગનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવશે.

- text

ગામના આગેવાન ખોડાભાઈ જગાભાઈ પાંચિયા દ્વારા શિવરાત્રીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. આ શોભાયાત્રા તેમના ઘરેથી રફાળેશ્વર મંદિર સુધી યોજાશે. જ્યાં મંદિરે બાવનગજની ધજા ચડાવશે. શિવરાત્રીના મેળામાં ફજેત ફાળકા, રાઈડ્સ સહિતના મનોરંજનના સાધનો ઉપલબ્ધ કરાશે. આ શિવરાત્રીના મેળાના વિવિધ સ્ટોલની હરાજી કરવામાં આવી છે અને સમગ્ર શિવરાત્રીના મેળાને સફળ બનાવવા જાંબુડિયા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટીમંત્રી અને અગ્રણી વિક્રમભાઈ ગોલ્તર સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text