મોરબીમાં પીયૂસી માટે ઉઘાડી લૂંટ : અંતે આરટીઓ તંત્ર આવ્યું હરકતમાં

- text


બે પીયૂસી સેન્ટર બે ગણા ભાવ લેતા હોવાની ફરિયાદના મળતા આરટીઓ તંત્રએ નોટિસ ફટકારવા કાર્યવાહી હાથ ધરી

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક ભંગ બદલ લાગુ થયેલા નવા દંડનીય કાયદાનો 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં અમલ શરૂ થતાની સાથે જ લોકોમાં ઉહાપોહ મચી ગયો છે. ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષ દ્વારા પણ વિરોધ પ્રદશનનો દૌર શરૂ થયો છે. ત્યારે હેલ્મેટ અને પીયૂસી માટે લોકોની દોડધામ વધી ગઈ છે. આવા સંજોગો વચ્ચે પીયૂસી સેન્ટરો વાળાને જાણે કમાવવાની મોસમ આવી હોય તેમ સરકારી ધારાધોરણ અને ભાવ નિયમન કરતા વધુ ભાવ લેવાનું શરૂ કરતી ફરિયાદો શરૂ થઈ છે. મોરબીમાં પણ આ અંગે આરટીઓ અધિકારીને જાણ થતાં પીયૂસી સેન્ટર ધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શનાળા રોડ પર માર્કેટિંગયાર્ડની નજીક આવેલા શિવ શક્તિ તેમજ બાલાજી પીયૂસી સેન્ટરના સંચાલકો દ્વારા દ્વિચક્રી વાહનોના પીયૂસી સર્ટી કાઢી આપવા માટે 20 રૂપિયાના બદલે 40 રૂપિયા તેમજ ફોર વિહલરના પીયૂસીના 50 રૂપિયાના બદલે 100 રૂપિયા લઈ રહ્યાની ફરિયાદ મળતા આરટીઓ અધિકારી જે.કે.પટેલે ઉક્ત બન્ને સ્થળે ઘસી જઇ નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરી છે. જેના કારણે લોકોને લૂંટતા અમુક પીયૂસી સેન્ટરોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- text