આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો મહામુકાબલો : બુકી આલમમાં ભારત હોટફેવરીટ

- text


મોરબીવાસીઓમાં ભારે ઉત્સુકતા : સૌરાષ્ટ્રમાં 250 કરોડનો સટ્ટો લાગ્યો 

એક તરફ રવિવારની રજા બીજી તરફ ભારત- પાકનો મેચ , ક્રિકેટરસિયાઓને મજા પડી ગઈ : વરસાદ વિઘ્ન ન બને તેવી ઠેર ઠેર પ્રાર્થના

મોરબી : વર્લ્ડકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ ખેલાવાનો છે. જેને લઈને મોરબીવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. એક તરફ રવિવારની રજા છે. તો બીજી તરફ ભારત- પાકનો મેચ હોવાથી ક્રિકેટરસીયાઓને ભારે મજા પડી ગઈ છે. વધુમાં આ હાઈ પ્રોફાઈલ મેચ ઉપર સૌરાષ્ટ્રમા 250 કરોડનો સટ્ટો લાગ્યો હોવાનો અંદાજ છે. ઉપરાંત બુકી બજારમાં ભારત અગાઉની જેમ જ આ વર્ષે પણ ફેવરિટ રહ્યું છે.

વર્લ્ડ કપમાં આજે ભારત – પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર બપોરે 3ના ટકોરે શરૂ થવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ભર્યા સંબંધને વર્ષોથી આ બન્ને દેશોની ટીમના મેચ ઉપર સૌ કોઈની ઉત્સુકતા ભરી નજર રહેતી હોય છે. આ બન્ને દેશ વચ્ચેના ક્રિકેટ મેચને લોકો સર્વસ્વ માને છે. જેથી જ જીત થતા મોટો જશન મનાવે છે. જ્યારે હાર થતા ભારે શોક મનાવે છે.

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈ વોલ્ટેજ મેચને લઈને મોરબીમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આજે રવિવારની રજાના દિવસે જ આ મહામૂકાબલો હોય ક્રિકેટરસીયા ટીવી સામે સ્ટેચ્યુની જેમ ગોઠવાઈ જવાના છે. બીજી બાજુ આ મહામુકાબલામાં ખૂબ મોટા પાયે સટ્ટો પણ લાગ્યો છે. આજના આ મેચમાં સૌરાષ્ટ્રમાં 250 કરોડનો સટ્ટો લાગ્યો હોવાનું અનુમાન નિષ્ણાંતો દ્વારા લગાવવામા આવ્યું છે. ઉપરાંત અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેચમાં બુકી આલમમાં ભારત હોટ ફેવરિટ રહ્યું છે.

- text

દર ચાર વર્ષે રમાતા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો ઇજારો રહ્યો છે. બંને વચ્ચે વર્લ્ડ કપમાં પહેલી વાર 1992માં ટક્કર થઈ હતી ત્યારથી 2015ના વર્લ્ડ કપ સુધીની તમામ છ મેચમાં ભારતનો વિજય થયો છે. ખૂબીની વાત તો એ છે કે આ છ પૈકીની પાંચ મેચમાં ભારતે પ્રથમ બૅટિંગ કરીને મૅચ જીતી હતી. તેનો અર્થ એ થયો કે ભારતીય ટીમ પાકિસ્તાનને ક્યારેય ટાર્ગેટ સુધી પહોંચવા દેતી નથી.

2003માં સાઉથ આફ્રિકામાં ભારતે સચિન તેંડુલકરના 98 રનની મદદથી પાકિસ્તાને આપેલો 273 રનનો સ્કોર આસાનીથી વટાવી દીધો હતો. તે સિવાયની તમામ મૅચમાં ભારતે પ્રથમ બૅટિંગ કરી હતી. ભારત અને પાકિસ્તાન રમતા હોય ત્યારે એક ખાસ વાત એ રહી છે કે બંને ટીમ જુસ્સામાં હરીફ ટીમને ટાર્ગેટ સુધી પહોંચવા દેતી નથી.

131 મૅચમાંથી 65 મેચમાં બેમાંથી એક ટીમ ટાર્ગેટ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. આ જ બાબત પુરવાર કરી દે છે કે ટાર્ગેટ સામે રમતી વખતે ટીમ પર કેટલું દબાણ હશે. 1985ના માર્ચ મહિનામાં શારજાહ ખાતે રમાયેલી મૅચમાં ભારત માત્ર 125 રન કરી શક્યું હતું. પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન સુકાની ઇમરાન ખાને માત્ર 14 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જોકે 126 રનનો નાનો લાગતો ટાર્ગેટ પાકિસ્તાન માટે પહાડ સમાન બની ગયો હતો અને તેઓ માંડ 87 રન કરી શક્યા હતા.

ટીમ ઇન્ડિયા

ભારતઃ વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, વિજય શંકર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા, શિખર ધવન.

ટીમ પાકિસ્તાન

સરફરાઝ અહમદ (સુકાની), ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, હેરિસ સોહેલ, હસન અલી, શાદાબ ખાન, મોહમ્મદ હફીઝ, મોહમ્મદ હસનૈન, શાહિન આફ્રિદી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર, શોએબ મલિક, ઇમાદ વસિમ, આસિફ અલી.

- text