કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે નરેશ મહેશ્વરીનું નામ જાહેર

મોરબી : કચ્છ લોકસભા બેઠક પર ઉમેદવારની પસંદગી બાબતે કોઇ મૂંઝવણભરી સ્થિતિ ન હોય કોંગ્રેસે અગાઉથી જ નિશ્ચિત મનાતા નરેશ મહેશ્વરીના નામની સતાવાર રીતે જાહેરાત કરી દીધી છે.

નરેશ મહેશ્વરી કચ્છ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. મૂળ માધાપર ભુજના નરેશ મહેશ્વરી યુવા વયથી જ કોંગ્રેસના કાર્યકર તરીકે કાર્યરત છે. છેલ્લા ૨ દાયકા કરતા પણ વધુ સમયથી કચ્છ કોંગ્રેસના કાર્યકર્તા તરીકેનો દીર્ઘ અનુભવ ધરાવે છે. કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેના કાર્યકાળમાં નરેશ મહેશ્વરીએ કચ્છની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણીઓનો અનુભવ મેળવ્યો છે.

તેમની પાસે પૂર્વ જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટણી લડવા અંગેનો સારો એવો અનુભવ છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસે કચ્છમાં બે વિધાનસભા બેઠકો પણ જીતી છે. ત્યારે તેઓને ટીકીટ આપવાના હાઇકમાન્ડના નિર્ણયને કોંગી આગેવાનોએ હર્ષભેર સ્વીકાર્યો છે.