મોરબીના બે શખ્સો માળીયામાં દારૂ બિયર સાથે પકડાયા : નેતાએ ભલામણનો ધોધ વ્હાવ્યો

- text


પોલીસે અંતે મોરબી તાલુકાના ખાખરાળા ગામના બન્ને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

માળિયા : માળીયા પોલીસે કારમાં દારૂ અને બિયર સાથે મોરબીના બે શખ્સોને પકડી પાડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે પકડાયેલા બન્ને શખ્સોને છોડી મુકવા માટે ઉચ્ચ નેતાએ ભલામણનો ધોધ વ્હાવ્યો હતો. પરંતુ અંતે પોલીસ બન્ને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જ જંપી હતી.

માળીયા મિયાણા પોલીસે પીપળીયા ચોકડી નજીકથી સેન્ટ્રો કારમાંથી ૧૨ નંગ બિયર અને દારૂ સાથે દિનેશ દુર્લભજીભાઈ સદાતિયા ઉ.વ. ૫૧ અને રમેશભાઈ બાબુભાઈ વડાવીયા ઉ.વ.૩૯ રહે. બન્ને ખાખરાળા તા.મોરબી વાળાની અટકાયત કરી હતી પરંતુ ગુનો દાખલ થાય એ પૂર્વે જ દારૂની બદી ને નાબૂદ કરવાની પીપુડી વગાડતા સત્તાધારી પક્ષના એક ઉચ્ચકક્ષાના નેતા અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધી દ્વારા માળીયા પોલીસ મથકના રજા પર હોવા છતાં જવાબદાર અધિકારી પર ગુનો નોંધ્યા વગર છોડી દેવા માટે રાજકિય દબાણ શરૂ કરવામાં આવ્યું હતું.

- text

પરંતુ આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં પોલીસ દ્વારા આ બન્ને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવો કે કેમ એ મુદ્દો માળીયા પોલીસ બેડામાં ચકડોળે ચડ્યો હતો.જેમાં એસપી કરનરાજ વાઘેલા સુધી આ વાત પહોંચતા પોલીસે એક ઉચ્ચ કક્ષાના નેતાના ફોનથી છોડી મુકેલા બન્ને ઇસમોને પાછી ધરપકડ કરી હતી. જેમાં પોલીસે બન્ને શખ્સોની બે વિદેશી નંગ દારૂ કિંમત રૂપિયા ૪૦૦/- ,૧૨ નંગ બિયર કિંમત રૂપિયા ૧૬૦૦/- અને સેન્ટ્રો કાર મળી કુલ રૂપિયા ૧,૧૬,૦૦૦/- નાં મુદામાલ સાથે વિધિવત ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે એક બાજુ સરકાર દારૂની બદી નાશ કરવા માટે કાયદાઓ બહાર પાડે છે તો બીજી બાજુ એ જ સરકારના રાજકીય નેતા દ્વારા પોલીસે પકડેલા ઈસમો અને મુદ્દામાલને છોડવા માટે ભલામણ કરવામાં આવે છે જો કે આ કિસ્સામાં પોલીસની પરિસ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી બની ગઈ હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text