રિલાયન્સ પંપની ડીલરશિપના બહાને જેતપરના યુવાનને ₹૧.૬૯ લાખનો ચૂનો લાગ્યો

મોરબી : મોરબીના જેતપર ગામના રહેવાસી વેપારી યુવાને રિલાયન્સ પેટ્રોલિયમની ડીલરશિપ અપાવી દેવાના બહાને એક મહિલા સહિત ત્રણ સામે ₹ ૧.૬૯ લાખની ઠગાઈ કરવાની ફરિયાદ નોંધાવી છે.

મોરબી તા.પો.સ્ટે. માંથી મળતી પ્રાથમિક વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા હિરેનભાઈ ચંદુભાઈ પટેલે રિલાયન્સ પેટ્રોલીયમની ડીલરશિપ માટે કંપનીની વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી હતી. ઓનલાઈન રજીસ્ટર કરેલી માહિતીમાંથી આરોપીઓએ ફરિયાદીના મોબાઈલ નંબર યેનકેન પ્રકારે મેળવી એમનો સંપર્ક કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ આશા અગ્રાવત, મનોજ ચૌહાણ તેમજ એક અજાણ્યો ઈસમ કે જેનો મો.નં. ૮૦૦૧૬૦૪૬૫૦ છે તેઓએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કટકે કટકે રૂ.૧,૬૯,૨૫૫/ જમા કરાવી લીધા હતા.

ફરિયાદીને પોતાની સાથે ઠગાઈ થતી હોવાની ગંધ આવી જતા મોરબી તા.પો.મથકમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સાયબર ક્રાઈમના આરોપીઓને ઝડપી લેવા એલ.સી.બીએ વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ધીમે ધીમે મોટાભાગનો ધંધાકીય વ્યવહાર ઓનલાઈન થવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના ગુન્હાઓનું પ્રમાણ પણ વધ્યું છે. ઓનલાઈન પદ્ધતિને મૂળભૂત રીતે ન સમજી શકતા લોકો આવી ઠગાઈનો ભોગ બને છે ત્યારે કોઈ પણ પ્રકારના ઓનલાઈન વ્યવહારો માટે સાવચેત થવું અને યોગ્ય ખરાઈ કરવી અત્યંત જરૂરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en