ઉભરાતી ગટરો વચ્ચે મોરબીમાં સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ

- text


કચરાના ગંજ, શહેરના હદયમાં ભૂગર્ભની છલકાતી ગંદકી અને રખડતા ઢોરની સમસ્યા વચ્ચે રેટિંગ સુધારવા સામે પ્રશ્નાર્થ

મોરબી : મારુ મોરબી સ્વચ્છ મોરબી સૂત્ર જાણે ભૂગર્ભ ગટરની ગંદકી, ઠેર – ઠેર ખડકાયેલા કચરાના ગંજ, નિર્મળને બદલે મલીન મચ્છુ નદી અને રસ્તે રઝળતા ને લોકોને ઢીકે ચડાવતા ઢોરની સમસ્યામાં ધરબાઈ ગયું છે તેવામાં મોરબીમાં સ્વચ્છતા સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં કેન્દ્ર સરકારની ટીમ મોરબીમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી શરૂ કરી છે.ત્યારે શહેરના હદય એવા નગર દરવાજામાં જ ગંદકી મો ફાડીને ઉભી હોય સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબીના રેટિંગ સુધારવા ઉપર સો મણનો સવાલ ખડો થયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા નગરપાલિકા, મહાનગર પાલિકા તેમજ મેટ્રો શહેરમાં સફાઈ બાબતે જાગૃતતા આવે અને તમામ નાના મોટા શહેરો સ્વચ્છ અને હરિયાળા બને તેવા ઉદેશથી સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો છે. બે સર્વેક્ષણ હાથ ધરાયા બાદ ઘણા શહેરોએ તેમની ભૂતકાળની ભૂલો સુધારી શહેરને સ્વચ્છ બનાવવા પગલા ભર્યા છે.જોકે મોરબી તેમાં નિષ્ફળ ગયું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે જો કે, મોરબી પાલિકાએ આ સર્વેની રેસમાં પોતાની દાવેદારી નોધાવી છે અને તેના ભાગરૂપે ડોર ટૂ ડોર કચરાનો નિકાલ,ઠેર ઠેર કચરા પેટી, ડ્રેનેજ સફાઈ, જાહેર શૌચાલયના રીનોવેશનની કામગીરી કરવામાં આવી હોવા છતાં સફાઈ બાબતમાં ઘણું પાછળ હોય તેમ મોરબીના મુખ્ય માર્ગો અને બજારની સ્થિતિ જોતા લાગે છે કે શહેરમા આજે પણ ઉભરાતી ગટરના પાણી મુખ્ય માર્ગો પર ફરી રહ્યા છે તો તમામ મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.સૌથી ખરાબ દ્રશ્ય શાક મર્કેટ વિસ્તારના છે અહી એટલી માત્રમાં કચરો નીકળે છે કે ગટરની લાઈન જામ થઇ જાય છે અને પાણી સમગ્ર બજારમાં ફરી વડે છે.

- text

શાક માર્કેટના સામેના ભાગે આવેલી જગ્યામાં દરરોજ મોટાપ્રમાણમાં કચરો એકઠો થઈ રહ્યો છે પણ સમયસર નિકાલ ન થવાને કારણે અહી કચરાના ઢગ ભરાઈ રહ્યા છે તેમજ રખડતા ઢોર તે કચરો ફરી રસ્તા પર લાવતા રસ્તાની હાલત પણ કચરા પેટી જેવી કરી રહ્યા છે. કેન્દ્રની ટીમ દ્વારા આ બાબતો પોતાના ફીઝીકલ સર્વેમાં નોધ કરશે એટલે તેની સીધી અસર માર્કિંગમાં થશે. આ બાબત પાલિકાના અધિકારીઓ જાણતા હોવા છતાં તેમાં સુધારો કેમ થતો નથી તે એક સવાલ છે.

મોરબી પાલિકા વિસ્તારમાં સફાઈ માટે આવતી ટીમ દર વખતે પાલિકાને જાણ કરતી હોય છે અને સ્થિતિ અંગે માહિતી મેળવતી હોય છે.જોકે આ સર્વેક્ષણમાં પાલિકાને તેના વર્ષ દરમિયાન કામગીરી, શહેરની સફાઈ, કચરા નિકાલની વ્યવસ્થા સહિતના તમામ બાબતની ડોક્યુમેન્ટને લગતી જાણકારી ઓનલાઈન આપવાની છે જેથી આં વખતે સર્વેની ટીમ પાલિકાનો પણ સંપર્ક કરશે નહી જેથી આ ટીમ સર્વે કરી જતી રહેશે અને તેના રીપોર્ટમાં શું નોધ કરે છે તે બાદમાં જ ખ્યાલ આવશે.

કચરા મુક્ત શહેરમાં કુલ ૧૦૦૦ માર્કિંગ છે અને ખુલ્લામાં શૌચાલય મુક્ત શહેર માટે ૨૫૦ માર્ક છે અને આ માર્કના આધારે રેટિંગ થશે સ્થળ નિરિક્ષણ ના ૨૫ ટકા, લોકોની પ્રતિક્રિયાના ૨૫ ગત વર્ષની સરખામણીમાં સુધારણાના ૨૫ અને પ્રમાણીકરણના ૨૫ ટકા થશે. જો કે, મોરબીનાં નવા બસ સ્ટેન્ડ, ત્રિકોણ બાગ,સ્ટેશન રોડ, સહિતના વિસ્તારોમાં જાહેર ટોઇલેટનું રિનોવેશન કરાયું છે.
કોમર્શિયલ કોમ્પ્લેક્સ ડસ્ટબીન મુકવાનું શરૂ.કર્યું છે. મુખ્ય માર્ગોની રાત્રી સફાઈ શરૂ કરાઇ છે ડોર ટૂ ડોર વાહનોની સંખ્યા વધારી કચરા કલેક્શન શરૂ કર્યું ડંપિંગ સાઈટ ભીનો અને સૂકો કચરો અલગ કરી ખાતર પ્રકિયા હાથ ધરીને તમામ પ્રકારની પ્લાસ્ટીક જબલા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સફાઈના અભાવે ઉભરાતી ગટરોની સમસ્યાજાહેર શૌચાલયમાં સફાઈનો અભાવ તેમજ જાહેર માર્ગો પર કચરો ફેકનાર વેપારીઓ કે અન્ય વ્યક્તિઓ પાસે દંડનિય કાર્યવાહીનો અભાવ જોવા મળે છે આ સંજોગોમાં હવે કેન્દ્રીય ટીમનું સ્વચ્છતા સર્વેક્ષણ કેવું રહે છે તે જોવું રહ્યું.

- text