આતે ગામડું કે શહેર ? સ્માર્ટ વિલેજ રાજપર

- text


લોકભાગીદારીથી રાજપરમાં 1.11 લાખના ખર્ચે 10 સીસીટીવી કેમેરા મુકાયા : નાના એવા ગામમાં ચાર – ચાર અદ્યતન બગીચા, ભૂગર્ભ, રસ્તા આરોગ્ય શિક્ષણ સહિત માળખાકીય તમામ સુવિધાઓ ઉપલબ્ધ

મોરબી: મોરબી શહેર જિલ્લાનું મુખ્ય વડું મથક હોવા છતાં હજુ ઘણી માળખાકીય સુવિધાઓ થી વંચીત છે. ત્યારે મોરબી થી માત્ર 8 કી. મી.ના અંતરે આવેલું રાજપર ગામ માત્ર માળખાકીય સુવિધાઓ જ નહીં આધુનિક સુવિધાઓમાં પણ અગ્રક્રમે રહ્યું છે. જેમાં આ ગામમાં આજે લોકભાગીદારીથી 1.11 લાખના ખર્ચે 10 સીસીટીવી કેમેરામાં મુકાતા રાજપર ગામ ખરાઅર્થમાં સ્માર્ટ વીલેજ બની ગયું છે.

મોરબીના 8 કી.મી.દૂર આવેલો રાજપર ગામની હવે વિકસીત શહેર તરીકે ગણના કરવી પડે તેવું આ ગામનું ઉજળું ચિત્ર સામે આવ્યું છે. રાજપર ગામ માત્ર માળખાકીય સુવિધાઓમાં જ નહીં પણ હવે આધુનિક સુવિધા માં અવ્વલ રહ્યું છે . જેમાં ગામના કરમશી ભાઈ મારવણીયા, વિજય કોટડીયા, સરપંચ નીતિક્ષા બેન મારવણીયા તથા ગ્રામજનોના સહિયારા પ્રયાસથી ગામ સીસીટીવી કેમેરા ની સુવિધાઓથી સુરક્ષિત બન્યું છે.

આજે રાજપર ગામે રૂ.1.11 લાખના ખર્ચે 10 સીસીટીવી કેમેરાનું લોકાર્પણ મોરબી તાલુકા પી.એસ.આઇ. ગોહિલના હસ્તે કરવામાં આવ્યું હતું.અને આ 10 સીસીટીવી કેમેરા ગામને જોડતા માર્ગો પર મોકવામાં આવ્યા છે.હવે ગામની શેરીઓમાં સીસીટીવી કેમેરા મુકાશે .આ તકે પી એસ આઇ ગોહિલે જણાવ્યું હતું કે અમે પહેલેથી જ દરેક ગામમાં સીસીટીવી કેમેરા વસાવવા પર ભાર મૂકી રહ્યા છીએ ત્યારે રાજપર ગામે આ દિશમાં પહેલ કરી છે.તેનું અન્ય ગામોએ અનુકરણ કરવું જોઈએ અને ગુનાખોરી ડામવા માટે પોલીસને આ સીસીટીવી કેમેરા વધુ મદદરૂપ થશે.તેથી તેમણે ગામજનોની સરહના કરી ગામમાં આગામી સીસીટીવી પ્રોજેકટ માટે 11 હજારનું દાન આપવાની જાહેરાત કરી હતી.

- text

રાજપર ગામ આધુનિક સુવિધાઓમાં સજ્જ થવાની સાથે માળખાકીય સુવિધાઓમાં પણ અગ્રકર્મે છે. ગામની વસ્તી 4 હજાર લોકોની છે એની સામે ગામમાં ચાર બાગો છે.એ પણ હરિયાળા અને રમત ગમતના સાધનોની સુવિધાઓ થી સજ્જ છે .ગામમાં અદ્યતન સ્મશાન છે.ગામમાં 2500 વૃક્ષો સાથે હરિયાળી ક્રાંતિ થઈ છે. આ ઉપરાંત ધો.1 થી 10 સુધીની શાળામાં ગામના તમામ વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવે છે . ગામમાં સારા રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની પણ સારી સવલત છે . ગટર ક્યારેય ઉભરાતી નથી .ગ્રામજનો સ્વચ્છતા પાલનના એટલા ચુસ્ત આગ્રહી છે કે ગામમાં ક્યાંય કચરો કે ગંદકીનું નામોનિશાન જોવા મળે નહીં .ગામમાં આવેલી ગોશાળામાં 120થી વધુ ગાયોનું કાળજી પૂર્વક જતન કરાઈ છે.તેમજ ગામમાં ટોકન દરે દાતાઓના સહયોગથી ચાલતું ભોજનાલય અનેક જરૂરીયાતમદોની જઠરાગ્નિ તૃપ્ત લરે છે .આ મોટાભાગની સુવિધા ગ્રામજનોના સહિયારા પ્રયાસથી સાકાર થઈ શકી છે.

આ સંજોગોમાં મોરબી નગરપાલિકા અને મોરબી જિલ્લા વહીવટી તંત્રે નાના એવા રાજપર ગામની પ્રગતિ અને વિકાસ મોડેલમાંથી ઘણું શીખવા જેવું હોવાનું સ્પષ્ટ બન્યું છે.

- text