હડમતીયા ગામે ભરાતો પાલણપીરનો મેળો : જ્યાં લોકો ફરીથી લગ્ન કરે છે

- text


ભાદરવા વદ નોમ, દશમ અને અગિયારસે લોકો અહીં સંસારની માયાજાળમાથી મુક્ત થઈને ભક્તિભાવમાં લિન્ થાય છે : પૂ.પાલણપીરની જગ્યા અનેરો ઇતિહાસ ધરાવે છે

હડમતીયા : મોરબી-ટંકારાની વચ્‍ચે હડમતીયા ગામે આવેલ પૂજય પાલણપીરની મેડીએ ભાદરવા વદ નોમ-દશમ-અગિયારસના દિવસોમાં દર વર્ષે મેળો ભરાય છે. આ પૌરાણિક મેળામાં લગ્ન થેયલા દંપતીના ફરીથી લગ્ન અને ફૂલની જગ્યાએ પથ્થર ફેંકવાના રિવાજો આ મેળાનું અનેરું આકર્ષણ છે. આ મેળામાં પાલણપીર નામના આ સિદ્ધ સંત પોતાની વેદવાણીથી પ્રસિદ્ધિ પામ્‍યા છે. આ સિદ્ધ સંત પરમ પુરૂષની વાણીથી સમાજને સતત પ્રેરણા મળતી રહી છે. તેમણે ‘બારમતી સંપ્રદાય’ની સ્‍થાપના કરી અને પંદર લાખ જેટલા વેદોનું કથન કર્યું છે. આ વેદવાણી-ભવિષ્‍યમાં સમાજને ઉપકારક સાબિત થઇ છે.

પાલણપીરની સિદ્ધિની વાતો સાંભળી તત્‍કાલીન સમયમાં લોકો પોતાની ક્ષુદ્રવાસનાની પૂર્તિ માટે તેમની પાસે આવતા જેથી કંટાળી તેમણે દેહ છોડવાનો નિર્ણય કર્યો. સમીય જાણી હડમતીયા ગામથી પૂર્વ તરફ સમાધિ ગળાવી ધ્‍યાનસ્‍થ અવસ્‍થામાં બેસી ગયા. સંવત ૧૧૪૪ ભાદરવા સુદ ચોથને શુક્રવારે આ રીતે પાલણપીરે સમાધિ લીધી. તેમના પચાસ ભકતોને ખબર પડતા સમાધિસ્‍થાને અવિરત નકોરડા ઉપવાસ કરી પાલણપીરની સાધના-આરાધના કરતા એકવીસ દિવસના અંતે પૂજય પાલણપીર ભાદરવી વદ નોમના પુનઃ પ્રગટ થયા અને સૌને આશીર્વાદ આપ્‍યા.

આ ઘટનાની સ્‍મૃતિમાં ભાદરવા સુદ ચોથ થી ભાદરવા વદનોમ એમ એકવીસ દિવસ સુધી ‘બારમતી સંપ્રદાય’ ના અનુયાયીઓ ઉપવાસ કરે છે અને પછી સાડા ત્રણ દિવસ સુધી મેળા સ્‍વરૂપે એકઠા થઇ પાલણપીરદાદાની સમાધિએ વેદોનું પઠન કરે છે. મેળામાં જવા માટે લોકો આઠમથી જ વાંકાનેર નજીકના જડેશ્વર મંદિરે પહોંચી જાય છે, ત્‍યાં રાતવાસો કરી નોમના દિવસે સવારે આસ્‍થાભેર જાત્રા આરંભે છે અને ઘરેથી લાવેલ ભાથામાંથી ભોજન કરી હડમતીયા પાલણપીરની મેડીએ જવા રવાના થાય છે.

રસ્‍તામાં કોઠારીયા ગામથી થોડે દૂર ‘પરોળ’ આવે છે. એવી શ્રધ્‍ધા છે કે અહીંથી વીણેલા સફેદ પાણા-પથ્‍થર-પરોળની કમાઇ કરનારના ઝીંડુરતન માંડવગઢમાં જમા થાય છે. પરોળને ચાર આંટા ફરતા ફરી સતજુગની સ્‍થાપના થશે એવી શ્રધ્‍ધા સાથે લોકો પાલણપીરની મેડીએ જવા રવાના થાય છે અને સંધ્‍યા સમયે ત્‍યાં પહોંચે છે. એકવીસ દિવસના ઉપવાસ કરનારા લોકો ધુપ ધ્‍યાન કરી પારણા કરે છે. પછી ભોજન કરી રાતે વેદવાણીનું રસપાન કરે છે.

- text

સવારે દશમના દિવસે લોકો કપુરીયા કુંડમાં સ્‍નાન કરી જાણ્‍યે-અજાણ્‍યે પોતાનાથી થયેલા પાપમાંથી મુકિત મેળવે છે. ત્‍યાર પછી બધા લોકો સરગ પાવડીએ જાય છે. અને ત્‍યાં પોતાના ગુરૂ પાસે મુકિતનો માર્ગ માગે છે. વેદ પ્રમાણે સરગપાવડી એ સ્‍વર્ગે જવાના પગથીયા છે. અગીયારસના દિવસે લોકો ઢોલ-નગારા સાથે બગથળા જવા રવાના થાય છે અને ત્‍યાં પહોંચી લગ્ન કરવામાં આવે છે. કોર્ટમાં, મંદિરમાં કે ફુલહારથી લગ્ન કર્યા હોય તે બધાના અહી ફરીથી લગ્ન કરવામાં આવે છે.અને આ લગ્ન વિધિમાં પણ ફૂલની જગ્યાએ નાના પથ્થર ફેંકવાનો રિવાજ છે.

આ લગ્નવિધિ કર્યા બાદ લોકો હડમતીયા ગામના પાદરમાં પાછા આવે છે અને માત્રાપીરે પાતાળમાંથી લાવેલી બે ખાંભીઓની પરીક્રમા કરી પાલણપીરની મેડીઓ પાછા પહોચે છે અને આ રીતે આ ધર્મયાત્રા પુર્ણ થાય છે. સાડા ત્રણ દિવસના આ મેળામાં સંપુર્ણપણે ધાર્મિક વાતાવરણ જોવા મળે છે. મેળામાં આવતા લોકો સીધુ સામાન લઇ સહપરીવાર ત્રણ દિવસ રાવટી નાખીને રોકાય છે. ભોજન જાતે જ બનાવે છે અને નૈસર્ગિક વાતાવરણમાં લાઇટ કે પંખા વિના ઉપર આભ અને નીચે ધરતીની સાખે જમે છે, જીવે છે અને એક પવિત્ર સ્‍થળનો સંગથ પ્રાપ્‍ત થયાની ધન્‍યતા અનુભવે છે.

રાત્રે પુજય પાલણ પીરદાદાના સમાધિ સ્‍થાનેથી ડાડા કે ગરમાતંગ દ્વારા કહેવાતી વેદોની વાણીનો અમૂલ્‍ય લાભ લે છે. ભકિતભાવ અને પુર્ણશ્રદ્ધાથી ભરાતો આ મેળો એટલે જ અન્‍ય મનોરંજનાત્‍મક મેળાઓ કરતા અલગ પડે છે. ત્રણ દિવસ સંસારની માયાજાળથી મુકત થઇ ફકત પાલણ પીરદાદાના સાનિધ્‍યમાં તેમની વેદવાણીનું ગાન સાંભળી ધન્‍ય થવા દર વર્ષે હજારોની સંખ્‍યામાં બારમતી સંપ્રદાયના અનુયાયીઓ અને મેઘવાળ સમાજના લોકો અહી આસ્‍થાપુર્વક આવે છે. પાલણ પીરદાદાના કથેલા વેદોમાં આદર્શ જીવનનો ઉપદેશ છે અને ઉજ્જવળ ભવિષ્‍યનું એંધાણ પણ છે.

તેમણે કહેલી વાણીના એક-એક શબ્‍દો આજે સાચા પડી રહ્યા છે. આભમાં વિમાન હાલશે વણ જોતર્યા ગાડા હાલશે નાતના નાતા પરનાતમાં જાશે.આવી વેદવાણીમાં અગમ, નિગમ અને અગોચરની વાતો કરવામાં આવી છે. આમ પાલણપીરનો મેળો સમગ્ર મેઘવાળ સમાજની આસ્‍થાનું પ્રતિક બની રહ્યો છે.

- text