મોરબી પાલિકાની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : છ બેઠકો માટે ૧૨ ઉમેદવારો મેદાને

ત્રણ વોર્ડની છ બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

મોરબી : આગામી તારીખ ૨૫ ના રોજ યોજાનાર મોરબી નગર પાલિકાની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના આખરી દિવસે ત્રણ વોર્ડની છ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના છ – છ ઉમેદવારો જ મેદાનમાં રહેતા હવે પેટા ચૂંટણીમાં બન્ને પક્ષના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જેવો માહોલ સર્જાશે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગર પાલિકાની પેટા ચૂંટણીમાં ઉમેદવારીપત્ર પત્રોનો ચકાસણી અને ઉમેદવારીપત્ર પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાં ડમી ફોર્મ રદ્દ કરાયા છે જેને પગલે હવે ત્રણ વોર્ડમાં છ બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં બન્ને પક્ષે છ- છ ઉમેદવારો ચૂંટણીજંગમાં રહ્યા છે.

બીજી તરફ પેટા ચૂંટણી આડે હવે ફક્ત ૧૧ દિવસનો જ સમયગાળો બાકી રહ્યો હોય મુખ્ય હરીફો મતદારોને રીઝવવાના કામે લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણીના પરિણામો મોરબી પાલિકાની વર્તમાન સ્થિતિને બદલી શકે તેમ હોવાથી ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી જીતવા તમામ તકાત કામે લગાડવામાં આવી છે.