મોરબીમાં ટાઇલ્સના વેપારી સાથે લાખોની ઠગાઈ કરનાર ૩ શખ્સો મુંબઈથી પકડાયા

ત્રણ શખ્સોની ગેંગએ ગુજરાત સહિત ૬ રાજ્યોમાં ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું

મોરબી : મોરબીમાં ખોટા નામ ધારણ કરી સીરામીક વેપારી સાથે રૂ.૧૬.૨૯ લાખની ઠગાઈ કરનાર ત્રણ આરોપીઓને એલસીબીની ટીમે મુંબઈથી ઝડપી પાડી છે. આ ગેંગએ ગુજરાત સહિત ૬ રાજ્યમાં છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સીરામીક વેપારીને સસ્તા ભાવે ટાઇલ્સ આપવાની લાલચ આપી રૂ ૧૬.૨૯ લાખનું એડવાન્સ પેમેન્ટ લઈને માલની ડિલિવરી ન આપી ઠગાઈ કરનાર યાજ્ઞિક ઉર્ફે યુવરાજ ઉર્ફે બંટી વાસુદેવભાઈ નિમાવત, યશપાલ વાસુદેવભાઈ નિમાવત રહે. બન્ને મોરબી તેમજ ચિરાગ વિનોદભાઈ તપસ્વી રહે. અમદાવાદ વાળાઓને ગણતરીના સમયમાં એલસીબીની ટીમે મુંબઈથી પકડી પાડયા છે.

ત્રણે શખ્સો ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકના ટાઇલ્સના વેપારીઓ તથા ફેકટરી વાળાને ટાઇલ્સના વેપારી હોવાની ખોટી ઓળખ આપીને સસ્તા ભાવે ટાઇલ્સ આપવાની લાલચ બતાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા હોવાનું ખુલ્યું છે.